PM મોદીએ અમદાવાદ મેટ્રો ફેઝ-2, સુરત-મેટ્રોનો શિલાન્યાસ કર્યો

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 18 જાન્યુઆરીએ નવી દિલ્હીમાંથી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ મેટ્રોના ફેઝ-2 અને સુરત મેટ્રો યોજનાઓનું ભૂમિપૂજન સંપન્ન કર્યું હતું. તેમણે  કહ્યું હતું કોરોના કાળમાં પણ બંને પ્રોજેક્ટ 17,000 કરોડથી વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ થઈ રહ્યું છે. અમદાવાદ-સુરત ગુજરાતનું આત્મનિર્ભરતાનું પ્રતીક છે. આ મેટ્રો પ્રોજેક્ટ અમદાવાદ-સુરતમાં કનેક્ટિવિટીનું કામ કરશે. સુરત એક ભારત શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ છે અને સુરત વિશ્વનું 14મું સૌથી તેજીથી વિકસતું શહેર છે.

અમદાવાદ મેટ્રો ફેઝ-2માં મેટ્રો રેલવે લાઈનની લંબાઈ 28.23 કિલોમીટર છે. એ માટેનો અંદાજિત ખર્ચ રૂ. 5384 કરોડ છે. રૂટ નંબર-1 પરની ટ્રેન મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર (ગાંધીનગર) જશે (22.8 કિ.મી.). રૂટ નંબર-2ની ટ્રેન જીએનએલયુથી ગિફ્ટ સિટી જશે (5.4 કિ.મી.). કુલ 22 સ્ટેશનો બંધાશે.

સુરત મેટ્રો યોજનામાં, લાઈનની લંબાઈ 40.35 કિ.મી. હશે. આ યોજનાનો અંદાજિત ખર્ચ રૂ. 12,020 કરોડ છે. સુરત મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટી રૂટ છે, જે 21.61 કિ.મી.નો છે. આ વિસ્તારમાં 20 સ્ટેશનોનું નિર્માણ કરાશે. બીજા ફેઝમાં 38 મેટ્રો સ્ટેશનો બંધાશે.


અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું વિસ્તરણ છે, જે અમદાવાદને ગાંધીનગરથી જોડે છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટની કુલ લંબાઈ 40.03 કિ.મી. છે, ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ થવાનું આયોજન છે.

સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1 અંતર્ગત પ્રથમ તબક્કામાં ડ્રીમ સિટી ખજોદથી કાદરશાની નાળ સુધી 11.6 કિ.મી. માટે રૂા.779 કરોડ અને સુરત રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધી 3.46 કિ.મી. સુધી રૂા. 941 કરોડનું ટેન્ડર મંજૂર થયું છે. આ બંને ફેઝનું કામ આજે શરૂ થઈ જશે અને કોન્ટ્રેક્ટરે 30 મહિનાની અંદર કામ પૂર્ણ કરવાનું રહેશે.