ઓસ્ટ્રેલિયા સામે ચોથી-ટેસ્ટઃ સુંદર-ઠાકુરની લડતને સેહવાગે બિરદાવી

બ્રિસ્બેનઃ 7મા અને 8મા નંબરે આવેલા – ઓફ્ફસ્પિનર વોશિંગ્ટન સુંદર અને ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે એમનું બેટિંગ કૌશલ્ય બતાવી, લડત આપીને અહીં ઓસ્ટ્રેલિયા સામે રમાતી ચોથી અને સિરીઝની આખરી ટેસ્ટ મેચમાં ભારત પર પહેલા દાવની ખાધનો ભાર ઘટાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઓસ્ટ્રેલિયાના પહેલા દાવના 369 રનના સ્કોરના જવાબમાં ભારતનો પહેલો દાવ આજે ત્રીજા દિવસે 336 રનમાં પૂરો થયો હતો. ઓસ્ટ્રેલિયાએ 33 રનની સરસાઈ સાથે બીજા દાવમાં દિવસની રમતને અંતે એકેય વિકેટ ગુમાવ્યા પગર 21 રન કર્યા હતા. સિરીઝમાં બંને ટીમ 1-1થી સમાન છે, એટલે આ ટેસ્ટ સિરીઝ પરિણામ નક્કી કરશે.

સુંદરે 144 બોલનો સામનો કરીને 7 ચોગ્ગા, 1 છગ્ગાની મદદથી 62 રન કર્યા હતા તો શાર્દુલે આક્રમક બેટિંગ કરીને 115 બોલના દાવમાં 67 રન કર્યા હતા જેમાં 9 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. બંનેએ 7મી વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી હતી. બંનેએ ટેસ્ટ કારકિર્દીમાં આ પહેલી જ હાફ સેન્ચુરી ફટકારી છે. તેમની આ ભાગીદારી-લડાયક રમતને ભૂતપૂર્વ ઓપનર વિરેન્દર સેહવાગે બિરદાવી છે. સેહવાગે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, આ બંને ખેલાડી માટે ગબ્બા ધાબા બની ગયું. જો આ ભારતીય ટીમની હિંમતનું એક જ શબ્દમાં વર્ણન કરવું હોય તો એ છે દબંગ. શું બાકી બહાદૂરી બતાવી છે. ઉલ્લેખનીય છે કે, બ્રિસ્બેનના ગબ્બા ક્રિકેટ મેદાન પર ભારતની આ પહેલાં 7મી વિકેટ માટેની બેસ્ટ ભાગીદારી કપિલ દેવ અને મનોજ પ્રભાકરના નામે હતી – 58 રન, 1991માં.