યૂઝર્સનાં સંદેશા થર્ડ-પાર્ટી વાંચશે નહીંઃ વોટ્સએપની ખાતરી

ન્યૂયોર્કઃ ફેસબુકની માલિકીની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપએ એક સ્ટેટસ શેર કરીને પોતાની પ્રાઈવસી નીતિ વિશે ઊભી થયેલી ભ્રમણા દૂર કરવા સ્પષ્ટતા કરી છે. ચાર વોટ્સએપ સ્ટેટસ દ્વારા તેણે જણાવ્યું છે કે આ એપ તેના યૂઝર્સનાં અંગત સંદેશાઓ વાંચતી નથી કે સાંભળતી નથી. યૂઝર્સની વાતચીતો એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે, મતલબ કે યૂઝર્સના સંદેશા જોવાની કોઈ પણ ત્રીજી પાર્ટીને તે અધિકાર આપતી નથી.

એક અન્ય સ્ટેટસમાં, વોટ્સએપએ કહ્યું છે કે આ એપ તમારા લોકેશનને અન્ય કોઈની પણ સાથે શેર કરતી નથી, સિવાય કે કોઈ યૂઝર પોતે જ કોઈ વ્યક્તિ સાથે લોકેશન શેર કરે તો વાત જૂદી છે. વધુમાં જણાવ્યું છે કે, પોતે યૂઝરની પરવાનગી વગર તેનો કોન્ટેક્ટ નંબર ફેસબુક એકાઉન્ટને શેર કરતી નથી. વોટ્સએપે અગાઉ તેના યૂઝર્સને જાણ કરી હતી કે પોતે નવી પ્રાઈવસી નીતિ લાગુ કરવાની છે જેમાં યૂઝર્સનો ડેટા તેની પિતૃ કંપની ફેસબુકને શેર કરાશે. યૂઝર્સ 8 ફેબ્રુઆરી, 2021 સુધીમાં નવી શરતોને સ્વીકારે, નહીં તો ત્યારપછી યૂઝર્સનો વોટ્સએપ એકાઉન્ટ આપોઆપ ડિલીટ થઈ જશે. જોકે એપે ડેડલાઈન તારીખ મે સુધી લંબાવી છે. તેથી 8 ફેબ્રુઆરીએ કોઈ એકાઉન્ટ સસ્પેન્ડ નહીં કરાય.