એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ માટે સ્પોર્ટ્સ મંત્રાલયની મંજૂરી

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બરે રમાનારી મેચ અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી ક્રિકેટ સંબંધોને લઈને સ્પોર્ટ્સ મંત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. મંત્રાલયે કહ્યું છે કે ભારત, પાકિસ્તાનમાં યોજાનારી કોઈ સ્પર્ધામાં ભાગ નહીં લે અને ન તો અમે પાકિસ્તાની ટીમોને ભારતમાં દ્વિપક્ષી મેચ રમવાની પરવાનગી આપીશું. જોકે મંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપમાં રમવાથી રોકવામાં નહીં આવે, કારણ કે તે બહુપક્ષી ટુર્નામેન્ટ છે.

પાકિસ્તાનની હોકી ટીમે બિહારના રાજગીરમાં યોજાનારા એશિયા કપમાં ભાગ લેવા ઇનકાર કરી દીધો છે. આવી પરિસ્થિતિમાં ભારત સરકારે પાકિસ્તાનમાં યોજાનારી રમતોની સ્પર્ધાઓ અને દ્વિપક્ષી ક્રિકેટ સંબંધોને લઈને પોતાનો અભિગમ સ્પષ્ટ કરી દીધો છે.

સ્પોર્ટ્સ મંત્રાલયના જણાવ્યા મુજબ કોઈ પણ રમતોત્સવમાં પાકિસ્તાન સામે રમવાનો ભારતનો અભિગમ નીતિને આધારે નક્કી કરવામાં આવશે. કોઈ પણ દ્વિપક્ષી રમત સ્પર્ધા માટે ભારતીય ટીમ પાકિસ્તાન જશે નહીં. જ્યારે કોઈ પણ બહુપક્ષી ઇવેન્ટ, જેનું આયોજન ભારત કે વિદેશમાં ક્યાંય પણ થાય, તેમાં ભાગ લેવાનો નિર્ણય આંતરરાષ્ટ્રીય રમત સંસ્થાઓના નિયમો અને આપણા ખેલાડીઓનાં હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.

સરળ બનાવાશે વિઝા પ્રક્રિયા

આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની યજમાની કરવા અને ભારતને પસંદગીના સ્થળ તરીકે વિકસાવવા માટે ખેલાડીઓ, ટીમના અધિકારીઓ, ટેક્નિકલ સ્ટાફ અને આંતરરાષ્ટ્રીય રમત સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે.