મુંબઈ: ‘પોતાની જાત સાથે બેસવું અને જાત સાથે વાત કરવાનું બહુ અઘરું હોય છે, આ માટે હિંમત જોઈએ, આવી અઘરી વાતનો અમલ કરી લેખો લખવાની શરૂઆત કરવા માટે સોનલ કાંટાવાળાને હું ખૂબ ધન્યવાદ આપું છું’. આ વાત સોનલ કાંટાવાળા લિખિત ‘‘સ્વ’ સમીપે’ પુસ્તકનું વિમોચન કરતા જાણીતા સાહિત્યકાર, લેખક, વિચારક ડૉ. દિનકર જોશીએ કર્યું હતું. ‘સ્વ’ સમીપે સોનલ કાંટાવાળાનું પ્રથમ પુસ્તક છે; જે તેમના ૪૫ લેખોનો સંગ્રહ છે, આ લેખો તેમણે ‘સ્વ’ ની સમીપે બેસીને તેમ જ આસપાસના સમાજનું નિરિક્ષણ કરતા-કરતા આવેલા વિચારોને આધારે લખ્યા છે.
મલાડ ખાતે ગયા શનિવારે યોજાયેલા એક ખાસ સમારંભમાં બે પ્રસંગોનું આયોજન એકસાથે થયું હતું, જેમાં ‘સ્વ’ સમીપે પુસ્તકના વિમોચન ઉપરાંત તેમના પતિ અને કિશોર કુમારના ચાહક-ભાવક હોવા સાથે કિશોરદાના ગીતો ગાતા પ્રોફેશનલ ગાયક નિખિલ કાંટાવાળાની ષષ્ટિપૂર્તિની ઉજવણી પણ હતી. ડૉ. દિનકર જોશીએ આ અવસરે હાજર રહી પુસ્તકો, માનવીની ભીતર સર્જાતા વિચારો અને ખાસ કરીને જાત સાથે બેસવાની વાતો વિશે પોતાના ભાવ વ્યકત કર્યા હતા. ૯૦ વરસની વયમાં પણ પોતાને સાહિત્ય-પુસ્તકો પ્રત્યે સતત સજાગ રાખનાર ડૉ. દિનકર જોશીએ આ પુસ્તકના એક લેખના શિર્ષક ‘લાગણીઓનું મેનેજમેન્ટ’ નો ઉલ્લેખ કરતા કહયું હતું કે આજે માણસ એકલો થતો જાય છે તેની પાસે હ્રદય ખોલીને વાત કરવા કોઈ હોતું નથી. 
આ પ્રસંગે કાંદિવલી એજયુકેશન સોસાયટી (KES)ના પ્રેસિડન્ટ મહેશ શાહે પુસ્તક ‘સ્વ’ સમીપે વિશે કહયું હતું કે ‘આ એક વિચાર યાત્રા છે. આજના સમયમાં મોટાભાગના માણસો સેલ્ફી લેતા હોય છે, એ સેલ્ફી લીધા બાદ માણસ પોતે કેવો સારો લાગે છે એ જુએ છે, બીજાને પણ બતાવે છે, કિંતુ માણસ હું કેવો દેખાઉં છું એના કરતાં પોતે અંત:કરણમાં ઉતરીને હું કેવો છું એની ઉપર ધ્યાન કેન્દ્રિત કરે તો સમાજ વધુ ઉત્કૃષ્ઠ બની શકે. સોનલે પોતાના અંત:કરણમાં ઉતરીને પોતાની સેલ્ફી પાડી છે એમ આ ‘સ્વ’ સમીપે પુસ્તક વાંચીને કહી શકાય.’
આ અવસરે કવિ અને ભગવદગીતાના ઊંડા અભ્યાસી દિનેશ પોપટે નિખિલભાઈને જન્મદિનની અને સોનલબેનને પુસ્તક માટે શુભેચ્છા આપતા કહયું હતું કે નિખિલ કાંટાવાળા પાસે ગીત-સંગીત અને સોનલબેન પાસે સહિત્ય છે, આમ સાહિત્ય, સંગીત અને કળાનો સંગમ એક જ યુગલમાં જોવા મળ્યો છે.
અંતમાં સોનલ કાંટાવાળાએ કહ્યું, ‘દિનકરભાઈ જેવી સાહિત્યસિદ્ધ હસ્તીની સમીપે હોવું એને જ હું મારું અહોભાગ્ય સમજું છું.’ સફળતા સાથે નમ્રતા આવવી જરૂરી છે એ સંદર્ભમાં બોલતા તેમણે કહ્યું હતું કે ‘આપણે પોતે જીવનમાં જે પણ હાંસિલ કરીએ તે બાબત માટે પોતે જાતે ક્રેડિટ લેવી એ વ્યાજબી નથી જ, કારણ કે આપણી સફળતામાં આપણી પોતાની મહેનત, બુદ્ધિશક્તિ ઉપરાંત આપણને પોતાને ઘડવામાં, આપણી સફળતામાં ઘણા અન્ય પરિબળોનો પણ ભાગ હોય છે; જેમ કે આપણા માતા-પિતા, પરિવારજનો, આપણા સંજોગો, આપણી આજુબાજુનું વાતાવરણ – અને સૌથી મહત્વની આપણી પર વરસતી ઈશ્વરની કૃપા’. તેમણે એવો ભાવ વ્યક્ત કર્યો હતો કે ‘મા સરસ્વતીએ મારા પર વહાવેલ આશીર્વાદે શબ્દોનું સ્વરૂપ લીધું અને એ શબ્દોએ આજે એક પુસ્તકનું સ્વરૂપ લીધું છે.’ સાથે જ એમણે પોતાની માતા પાસેથી મળેલા આશીર્વાદ અને ઘડતર તથા જીવનસાથી નિખિલ તરફથી મળેલા ભરપૂર પ્રોત્સાહન માટે આભાર વ્યક્ત કર્યો હતો.
પુસ્તક વિષે વાત કરતા તેમણે કહ્યું હતું કે ‘પુસ્તક ‘સ્વ’ સમીપેનાં લેખો વાચકને પોતાના મન, લાગણીઓ, આદતો, સંબંધો, રોજબરોજની પ્રવૃત્તિઓ અને વ્યવહારો વિષે વિચાર કરવા માટે પ્રેરશે. પણ એ માટે વાચકે એ વાંચીને પોતે પોતાની જાત સાથે સંવાદ સાધવાનો પ્રયત્ન કરવો પડે. જાત સાથે સંવાદ સાધવા માટે જાત પાસે બેસવું પડે. જાત પાસે બેસવું એ જ ‘સ્વ’ સમીપે એટલે કે પોતાની નજીક જવું. પુસ્તકના મુખપૃષ્ઠનું સાંકેતિક મહત્વ સમજાવતા તેમણે કહ્યું હતું કે ‘કવરપેજનું બેકગ્રાઉન્ડ બ્લેક કલરનું છે. બ્લેક કલર એ અજ્ઞાનનું પ્રતિક છે. આપણે અજ્ઞાનની સ્થિતિમાંથી જ્ઞાન મેળવવા માટે પોતાની અંદર ઝાંખવું જરૂરી બને છે. જ્ઞાન એટલે દુન્યવી નૉલેજની વાત અહીં નથી પરંતુ પોતાના ખરા સ્વરૂપ વિષે, પોતાની અંદર વસતી આપણી જાત વિષેનાં જ્ઞાનની આ વાત છે.
કાર્યક્રમના અંતમાં નિખિલ કાંટાવાળાના સંગીત જગતના મિત્રોએ ગીતોની મહેફિલ જમાવીને કાર્યક્રમને સંગીતમય પણ બનાવી દીધો હતો. પુસ્તક ‘સ્વ’ સમીપેના વિમોચન બાદ વક્તવ્ય આપી રહેલા ડૉ. દિનકર જોશી, મહેશભાઇ શાહ, નિખિલ કાંટાવાળા અને સોનલ કાંટાવાળા


