મુંબઈ: મલયાનિલની ‘ગોવાલણી’થી આરંભાયેલી ગુજરાતી ટૂંકી વાર્તાએ ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, જયંત ખત્રીથી માંડીને મધુ રાય, વિનેશ અંતાણી, હિમાંશી શેલત અને તાજેતરના યુવાન આધુનિક વાર્તાકારોની સર્જનાત્મકતા જોઈ છે અને ભાવકોને ટૂંકી વાર્તાઓએ તૃપ્ત કર્યાં છે. ૧૦ જાન્યુઆરી, શનિવારે સાંજે ૭.૧૫ વાગ્યે ઝરૂખોમાં ટૂંકી વાર્તા વિષયક એક અનોખો કાર્યક્રમ ભાવકો સમક્ષ રજૂ થવાનો છે.
મુંબઈના બે યુવાન તેજસ્વી વાર્તાકારોના પ્રથમ વાર્તાસંગ્રહને પોંખવાનો આ વખતે અવસર છે. બાદલ પંચાલના પ્રથમ વાર્તાસંગ્રહ ‘છાપરા પર પાંખો’ વિશે ગુજરાતના જાણીતા વાર્તાકાર અજય સોની વાત કરશે અને સમીરા પત્રાવાલાના વાર્તાસંગ્રહ ‘ફકીરની પાળ’ વિશે નિવડેલા વાર્તાકાર જયંત રાઠોડ વક્તવ્ય આપશે. આ વાર્તાકાર મિત્રો શનિવાર તથા રવિવારના વાર્તા વિષયક બે કાર્યક્રમ માટે ખાસ કચ્છથી મુંબઈ આવી રહ્યા છે.
યુવાન વાર્તાકારો બાદલ પંચાલ તથા સમીરા પત્રાવાલા પોતાની એક એક વાર્તાનું વાચિકમ પણ કરશે. કાર્યક્રમના અંત ભાગમાં શ્રોતાઓ પ્રશ્નો પૂછી શકે એવું આયોજન છે. સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે,સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે છે અને ટ્રસ્ટીગણ સર્વને જાહેર નિમંત્રણ પાઠવે છે.


