શીશ મહેલ વિવાદઃ કેજરીવાલના સરકારી નિવાસમાં લખલૂટ ખર્ચ

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના તત્કાલીન સત્તાવાર નિવાસ 6માં કરાયેલા રિનોવેશનનું કામ રૂ. 33.66 કરોડમાં પૂર્ણ થયું હતું, જે અંદાજિત ખર્ચ કરતાં 342 ટકા વધુ હતું. આ ખુલાસો સોમવારે વિધાનસભામાં રજૂ કરાયેલા કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG)ના અહેવાલમાં થયો હતો.

મુખ્ય મંત્રી રેખા ગુપ્તા દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા વર્ષ 2022ના CAG અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કુલ રૂ. 33.66 કરોડમાંથી રૂ. 18.88 કરોડ ‘મોંઘી, કલાત્મક અને સજાવટી’ વસ્તુઓ પર ખર્ચવામાં આવ્યા હતા. ફ્લેગ સ્ટાફ રોડ પર આવેલા આ બંગલાને ભાજપે ‘શીશ મહલ’ કહીને કેજરીવાલ અને તેમની સરકાર પર રાજકીય હુમલા કર્યા હતા.

આ નિવાસસ્થાનમાં કેજરીવાલ 2015થી 2024 દરમિયાન દિલ્હીના મુખ્ય મંત્રી તરીકે રહ્યા હતા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વધારાના કામ માટે નવી ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા અંગે પણ વિચાર કરવામાં આવ્યો નહોતો. પીડબ્લ્યુડી. દ્વારા બંગલામાં વધારાના રૂમ બનાવવામાં આવ્યા તેમ જ ત્યાં આવેલા કેમ્પ ઓફિસ અને સ્ટાફ બ્લોકમાં કરાયેલા ફેરફારોમાં અનેક અનિયમિતતાઓ જોવા મળી હતી.

અહેવાલ મુજબ રૂ. 9.34 કરોડની વહીવટી મંજૂરી અને ખર્ચની સ્વીકૃતિ કામ પૂર્ણ થયા પછી બે મહિના કરતાં વધુ સમય બાદ આપવામાં આવી હતી, જેને કારણે પૂર્વ મંજૂરી વિના જ નાણાકીય જવાબદારી ઊભી થઈ ગઈ હતી. CAGના ઓડિટમાં જાણવા મળ્યું હતું કે સ્ટાફ બ્લોક અને કેમ્પ ઓફિસના નિર્માણ માટે મંજૂર કરાયેલા રૂ. 19.87 કરોડમાંથી રકમ અન્ય કામોમાં વાપરી દેવામાં આવી હતી.

સ્ટાફ બ્લોકનું નિર્માણ થયું નહોતું અને તે રકમમાંથી સહાયકો માટે સાત ક્વાર્ટર્સ એવા સ્થળે બનાવવામાં આવ્યા, જે મૂળ પ્રોજેક્ટ સાથે સંબંધિત નહોતાં. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે કેમ્પ ઓફિસનું સ્વરૂપ સ્થાયી માળખાથી બદલીને અર્ધ-સ્થાયી માળખું (SPS) કરવામાં આવ્યું હતું. અંતે નાણાં ખતમ થતાં કેમ્પ ઓફિસનું માત્ર કાચું માળખું જ તૈયાર થઈ શક્યું અને જૂન, 2023માં પીડબ્લ્યુડી દ્વારા કામ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.