મુંબઈ: ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) પર ફરી એક વાર તૂટવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. શિવસેનાના, નવમાંથી સાત સાંસદો એકનાથ શિંદેના ગઠબંધન સાથે જવા તૈયાર હોવાનું કહેવાય છે. મહત્વનું એ છે કે આખરે એવી કઈ નારાજગી છે કે ઉદ્ધવના સાંસદો તેમનો સાથ છોડીને વિરોધી ખેમા તરફ વળવા માગે છે. શું શિવસેના (UBT)માં બધું ઠીક નથી? કેટલાક સાંસદોની નારાજગીનાં કારણો સામે આવ્યાં છે.
પત્નીનું અવસાન થયું, ઉદ્ધવે ફોન પણ ન કર્યો
શિવસેના (UBT)માં તૂટની ચર્ચાઓ વચ્ચે એક સાંસદે પોતાની નારાજગીનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું હતું કે એક વખત ઉદ્ધવ ઠાકરે તેમના લોકસભા ક્ષેત્રના પ્રવાસે આવ્યા હતા. આ કાર્યક્રમની યોજના અને ખર્ચ તે સાંસદે જ ઉઠાવ્યો હતો. એ જ સમય દરમિયાન તેમની પત્નીનું અવસાન થયું હતું. પરંતુ ઉદ્ધવ ઠાકરેએ ન તો તેમને ફોન કરીને પૂછપરછ કરી અને ન તો તેમના ઘરે જઈને મુલાકાત લીધી. બીજી તરફ, અમિત શાહે ફોન કરીને તેમને સાંત્વના આપી હતી. સાંસદને આ વાતનું દુઃખ હતું કે તેમના દુઃખના સમયમાં ઉદ્ધવ તેમની સાથે નહોતા.
અકસ્માત સમયે ઉદ્ધવે મદદ ન કરી
બીજા એક સાંસદની નારાજગીનું કારણ પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેમનો ગંભીર અકસ્માત થયો હતો અને તેમના પગમાં ગંભીર ઈજા થઈ હતી. તે સમયે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે ફોન કરીને તેમની સારવારમાં મદદ કરી હતી. આ કારણે તેઓ ઉદ્ધવ ઠાકરે પ્રત્યે નારાજ થયા હતા.

સ્થાનિક ચૂંટણીમાં પક્ષ તરફથી આર્થિક મદદ ન મળી
ત્રીજા સાંસદે નારાજગીનું કારણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં પક્ષ તરફથી સહયોગ ન મળવો ગણાવ્યો હતો. તેમના જણાવ્યાનુસાર ચૂંટણીનો સમગ્ર ખર્ચ તેમણે પોતાના ખિસ્સામાંથી કર્યો હતો, જ્યારે અન્ય પક્ષોએ ભારે નાણાં ખર્ચ્યા હતા. તેમણે ઉદ્ધવ ઠાકરે પાસે આર્થિક મદદ માગી હતી, પરંતુ કોઈ મદદ મળી નહોતી. પરિણામે તેમના ઘણા કાર્યકરો અને પદાધિકારીઓ પક્ષ છોડીને ચાલ્યા ગયા. આ મુદ્દે તેમણે ઉદ્ધવના નજીકના લોકો સમક્ષ પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.






