ગુજરાતના મોરબીમાં બ્રિજ અકસ્માતની તપાસમાં સમારકામ અને વ્યવસ્થાપનમાં મોટી ક્ષતિઓ બહાર આવી છે. ગત મહિને મોરબીના આ પુલ અકસ્માતમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તપાસમાં ઓરેવા જૂથ અને પાલિકા પર સવાલો ઉઠી રહ્યા છે. કાટ લાગેલા કેબલ, સમારકામ વગરના એન્કર, લૂઝ બોલ્ટ અને અપ્રશિક્ષિત કામદારો, આ તમામ પરિબળો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા છે.
નવ લોકોની ધરપકડ કરી
એફએસએલ રિપોર્ટમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે નવા મેટલ ફ્લોરિંગથી બ્રિજનું વજન વધી ગયું છે. ફરિયાદ મુજબ, સમારકામ કરનાર બંને કોન્ટ્રાક્ટરો પણ આવા સમારકામ અને નવીનીકરણના કામો કરવા માટે લાયકાત ધરાવતા ન હતા. 30 ઓક્ટોબરે બનેલી આ ઘટનાના સંદર્ભમાં પોલીસે અત્યાર સુધીમાં ઓરેવા જૂથના ચાર સહિત નવ લોકોની ધરપકડ કરી છે. અરેવા ગ્રુપ બ્રિટિશ જમાનાના સસ્પેન્શન બ્રિજનું સંચાલન કરી રહ્યું હતું.
બ્રિજ પર કાટ લાગી ગયો હતો
સોમવારે આરોપીની જામીન અરજીની સુનાવણી કરતા મુખ્ય જિલ્લા અને સેશન્સ જજ પી.સી.જોશીની કોર્ટમાં ફરિયાદ પક્ષે પુરાવા તરીકે પ્રાથમિક એફએસએલ રિપોર્ટ રજૂ કર્યો હતો. જિલ્લા સરકારી વકીલ વિજય જાનીએ જણાવ્યું હતું કે, રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જે કેબલ પર આખો બ્રિજ લટકાવવામાં આવ્યો હતો તેના પર કાટ લાગી ગયો હતો. કેબલને જમીન સાથે જોડતી એન્કર પિન તૂટી ગઈ હતી જ્યારે એન્કર પરના બોલ્ટ ત્રણ ઈંચ ઢીલા હતા.” કોર્ટ બુધવારે જામીન અરજી પર આદેશ જારી કરી શકે છે.