રીવાબા જાડેજાની ચૂંટણીપ્રચાર પોસ્ટે વિવાદ ઊભો કર્યો

જામનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં જામનગર (ઉત્તર) બેઠક પર ભાજપનાં ઉમેદવાર રીવાબા જાડેજા પોતાનાં પ્રચાર માટેના એક પોસ્ટરમાં એમનાં ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજાની તસવીરનો ઉપયોગ કર્યો છે. આમાં નોંધનીય એ છે કે એ તસવીર ભારતીય ટીમના જર્સીમાં સજ્જ થયેલા રવિન્દ્ર જાડેજાની છે.

રીવાબાએ પોતાનાં ટ્વિટર હેન્ડલ પર આ તસવીર શેર કરી છે. આને કારણે વિવાદ થયો છે. ચૂંટણી લડી રહેલા અન્ય પક્ષ આમ આદમી પાર્ટીએ ટકોર કરી છે કે ક્રિકેટરો તો હવે ખુલ્લેઆમ રાજકારણ રમી રહ્યા છે.

રીવાબાએ એક પોસ્ટમાં લખ્યું છે, ‘ભારતના ઓલરાઉન્ડર ક્રિકેટર શ્રી @imjadeja (રવિન્દ્ર જાડેજા)ના રોડ-શોમાં તમે પણ જોડાશો.’ રીવાબાની આ પોસ્ટ બાદ AAPના વિધાનસભ્ય નરેશ બાલ્યાને એક ટ્વીટ દ્વારા ટીકા કરી છે. એમણે કહ્યું છે, ‘રમતવીરો અત્યાર સુધી રાજકારણથી દૂર રહેતા હતા, પણ હવે તેઓ ખુલ્લેઆમ રાજકારણ રમી રહ્યા છે. ભાજપે એકેય સંસ્થાને બરબાદ કર્યા વિના છોડી નથી.’

ઉલ્લેખનીય છે કે, રવિન્દ્રના બહેન અને રીવાબાનાં નણંદ નયનાબા જાડેજા કોંગ્રેસનાં પ્રચારક છે. એમણે ગઈ કાલે પત્રકાર પરિષદમાં રીવાબાની ટીકા કરતાં કહ્યું હતું કે, ‘રીવાબા મતદારોની સહાનુભૂતિ મેળવવા બાળકોનો ઉપયોગ કરે છે. આ તો બાળમજૂરી કહેવાય. કોંગ્રેસના વરિષ્ઠ અધિકારીઓએ આ વિશે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે.’