‘અહીં ચૂંટણીની ચર્ચા કરવી નહીં…’: પાટિયા લાગ્યા

અમદાવાદઃ ચૂંટણી, ક્રિકેટ, દેશો વચ્ચે ચાલતા યુધ્ધ કે દેશના અર્થતંત્રની ગરમાગરમ તાજી વાતો સામાન્ય રીતે હાઉસિંગ સોસાયટીઓનાં બાંકડે, પાનનાં ગલ્લા જેવા સ્થળોએ વધારે થતી હોય છે. ‘શું લાગે છે? કોણ આવશે…?’થી શરૂ થતી વાતો ક્યારેક વ્યક્તિગત દુશ્મનીમાં પણ ફેરવાઈ જાય છે. બાંકડે બેઠેલા લોકોની સામાન્ય ચર્ચા ક્યારેક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે.

ચૂંટણી કે ઉમેદવારો કે મતવિસ્તાર સાથે કોઈ પ્રકારે ‘નાહવા-નિચોવવાનો’ સંબંધ ન હોય તે છતાં બાંકડે બેઠેલા લોકો પક્ષા-પક્ષીમાં એવા બાખડી પડે… ટી.વી પરની ડિબેટ કરતાંય ખતરનાક સ્વરૂપ બાંકડે કે પાનના ગલ્લાની ચર્ચાનું આવી જાય…. એમાં કેટલાક શાંત નિષ્પક્ષ કે નિજાનંદમાં રહેનારા માણસો પણ મુશ્કેલીમાં મુકાઇ જાય…

એટલા માટે જ, મોટી મેચો હોય કે ચૂંટણી આવે ત્યારે કેટલાક ધંધાકીય સ્થળે કે હાઉસિંગ સોસાયટીના નાકે પાટિયા લાગી જાય છેઃ ‘અહીં ચૂંટણી અંગેની કોઇપણ ચર્ચા કરવી નહીં’.

આવું જ એક બોર્ડ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની એક હાઉસિંગ સોસાયટીમાં જોવા મળ્યું. મધુવૃંદ સોસાયટી પાસેના મુખ્ય માર્ગ પર જ પાંચ છ જેટલા બાંકડા પડ્યા છે. આ બાંકડાને અડીને આવેલા એક બોર્ડ પર લખ્યું છે: ‘મહેરબાની કરીને આવનાર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કોઇપણ પ્રકારની ચર્ચા વિચારણા કરવી નહીં..’

બોલો… બાંકડે નિરાંત માટે બેઠેલા લોકો સ્થાનિક રાજકીય વિશ્લેષકોથી કેટલા કંટાળ્યા હશે….??

(પ્રજ્ઞેશ વ્યાસ)