PM મોદીએ દાહોદમાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના દોહાદ જિલ્લામાં કહ્યું કે કોંગ્રેસે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર ઉભા કરીને અમારી નામાંકિત આદિવાસી મહિલા દ્રૌપદી મૂર્મુને હરાવવાનો પ્રયાસ કર્યો. પીએમ નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે આદિવાસીઓ આપણા ભાઈ-બહેન છે. દેશની આઝાદીમાં તેમનું બહુ મોટું યોગદાન છે. સાથે જ તેમણે દાવો કર્યો કે અમારી સરકારે આદિવાસીઓનું જીવન બદલી નાખ્યું છે.

કોંગ્રેસ પર નિશાન સાધ્યું

કોંગ્રેસ એ ભત્રીજાવાદ, જાતિવાદ, કોમવાદ અને વોટ બેંકની રાજનીતિનું મોડેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદની એક રેલીમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને દાવો કર્યો હતો કે કોંગ્રેસે ગુજરાત અને સમગ્ર દેશને બરબાદ કરી દીધો છે. PM મોદીએ  જણાવ્યું કે, આ દાહોદે હું જેટલી વખત આવ્યો દરેક વખતે જૂના રેકોર્ડ તોડયા છે. ખૂબ મોટી વિરાટ જન સંખ્યા જોઇને લાગે છે કે આ વખતે દાહોદે નક્કી કર્યુ છે કે ભાજપની સરકાર બની ગઇ. આજે મારા માટે આનંદની પળ છે કે જે ધરતી પર જીવનના પ્રારંભીક વર્ષોમાં સાઇકલ પર ફરી ને કામ કરતો ત્યારે આજે અંદાજે 45 વર્ષે પણ અહીના લોકોએ એટલો જ પ્રેમ અને આશિર્વાદ આપી રહ્યા છે આનાથી મોટુ સદભાગ્ય કશું ન હોય.

આ વિસ્તાર એક પ્રકારે ઇતિહાસના પન્નામાં ભલે ન ચમક્યો પરંતુ આઝાદી પછી જે ન્યાય મળવો જોઇએ તે ભલે ન મળ્યો હોય પરંતુ આ ધરતીએ અહીના આદિવાસી ભાઇઓએ સર્વોચ્ચ બલિદાન આપ્યા છે. આ વિરોની ધરતી દેશના આઝાદી માટે મર મીટનારા લોકોની ધરતી છે. પેઢી દર પેઢી રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપનાર ગોવિંદ ગુરુને વંદન કર્યા.  આ ચૂંટણીમાં જનતાએ ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ભાજપની સરકાર બનાવવા જે રીતે આશિર્વાદ આપી રહ્યા છો તે બદલ એડવાન્સમાં આપ સૌનો આભાર માની રહ્યો છું.

તમે મને સત્તા નથી સોંપી, સેવાનું કામ સોપ્યું છે : PM મોદી

PM મોદીએ વધુમાં જણાવ્યું કે, મારા માટે આ જનતા જનાર્દન ઇશ્વરનો અવતાર છે. જેટલી વાર માથુ ટેકવવાની તક મળે ત્યારે પુણ્ય જ મળે અને એટલે તમારા આશિર્વાદ લઇ પુણ્ય કમાવવા આવ્યો છું બાકી વિજય તો તમારા મતથી થવાનો જ છે અને તમારો વટ પણ પડવાનો છે. કોંગ્રેસ વાળાને જીત પાકિ લાગે તો જનતાની સામે પણ ન જુવે પરંતુ ભાજપની જીત 200 ટકા પાકી હોય તો પણ જનતાના પગે પડે. કોંગ્રેસ અને ભાજપમાં આ ફરક છે. તમે મને સત્તા પર નથી બેસાડયો, તમે મને સેવાનું કામ સોપ્યું છે હું એક સેવક તરીકે સેવાદારનું કામ કરુ છું. જેમ હું મારું કર્તવ્ય નિભાઉ છું મતદાતાઓને મળી આશિર્વાદ લઉ છું તેમ આ દેશનો દરેક નાગરિક પણ તેમનું કર્તવ્ય નિભાવે. જો દરેક વ્યક્તિ તેનું કર્તવ્ય નિભાવે તો આ દેશને આગળ જતા કોઇ ન રોકી શકે. આ ચૂંટણીમાં આપણા બધા નાગરિકોનું કર્તવ્ય છે કે પોલીંગ બુથ પર જઇને બટન દબાવી મત આપી લોકતંત્રની સેવા કરવાની અને કમળને મત આપીને ભાજપ અને ગુજરાતની સેવા કરવાનું કર્તવ્ય સૌએ નિભાવવાનું છે.

કોંગ્રેસને ક્યારેય આદિવાસીઓની યાદ ન આવી : PM મોદી

આદિવાસી સમાજનું કોંગ્રેસે આઝાદી પછી પંચાયતથી પાર્લામેન્ટ સુધી વર્ષો સુધી સત્તા ભોગવી પણ એમને કયારેય આદિવાસીઓની યાદ ન આવી. કોંગ્રેસ વાળા ચૂંટણી આવે એટલે આદિવાસીઓની વાત કરી મત લઇ જતા રહે. આ દેશમાં ઢગલા બંધ રાષ્ટ્રપતિ થઇ ગયા પરંતુ કોંગ્રેસના લોકોને કયારેય કોઇ આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો. ભારતીય જનતા પાર્ટીએ પહેલી વાર દેશમાં આદિવાસી રાષ્ટ્રપતિ તેમા પણ મહિલા રાષ્ટ્રપતિ બનાવી આખા દેશમાં સંદેશો આપ્યો છે.

હમણા એક ભાઇ પદ માટે યાત્રા કરી રહ્યા છે : PM મોદી

પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે,  હમણા એક ભાઇ પદ માટે યાત્રા કરી રહ્યા છે. પદ માટે લોકશાહિમાં યાત્રા કરાય તે ખોટુ નથી. પરંતુ પદ માટે ભાષણ કરે છે ત્યારે પુછવા માંગુ છું કે ભાજપે એક આદિવાસી બહેનને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવ્યા તો તેમને ટેકો આપવા તમારા પેટમાં શું દુખતું હતું. આપણા રાષ્ટ્રપતિ ઉમેદવાર બહેનની સામે કોંગ્રેસે ઉમેદવાર ઉભો રાખ્યો તેમને હરાવવા આકાશ પાતાળ એક કર્યુ પરંતુ આદિવાસી ભાઇબહેનોના આશિર્વાદ હતા કે આપણા દેશની આદિવાસી બહેન દેશના રાષ્ટ્રપતી બનાવ્યા. કોંગ્રેસની સંસ્કૃતિ રહી છે કે પોતે તો કરે નહી બીજાને કરવા દે નહી અને જો કરે તો આડે ઉતરીને ખાડા કરવાનો કોંગ્રેસનો સ્વભાવ છે. ભાજપના સંસ્કાર, સિંદ્ધાત સંર્વાગી વિકાસને વળેલા છે.

ગુજરાત અને ભારતના વિકાસની આજે દુનિયામાં ચર્ચા : PM મોદી

આજે ગુજરાત તેજ ગતીએથી વિકાસ કરી રહ્યું છે અને ગુજરાત અને ભારતના વિકાસની આજે દુનિયામાં ચર્ચા થઇ રહી છે. ભાજપે જ્યા સેવા કરવાની તક મળી ત્યાં તેજ ગતીથી, સર્વાંગી વિકાસ અને સર્વો સ્પર્શી વિકાસ તેમજ સર્વોક્ષેત્રીય વિકાસ કર્યો છે. આદિવાસી પરિવારોના રોટલા ખાઇને હું મોટો થયો છું ત્યારે નિરાંતે વાત કરવાનું મન થાય તે સ્વભાવિક છે. ફુટપાથ પર વેપાર કરનાર પાથરળાવાળા, લારી ગલ્લામાં શાકભાજી વહેચનાર અને નાના વેપારીઓ માટે સ્વનિધિ યોજના ચલાવીએ છીએ તો બીજી બાજુ પીએલઆઇ સ્કીમ દ્વારા મોટા મોટા દુનિયાના ઉદ્યોગકારો આવે તેના માટે યોજના બનાવી રહ્યા છીએ. ભારત અને ગુજરાતમાં વિમાનો બને તેના કારખાના અને ફેકટરીઓ બને તેનું કામ કરીએ છીએ. ગરિબોને પાકા ઘર આપવાનું કામ કરીએ છીએ. આયુષ્યમાન યોજના થકી પાંચ લાખ રૂપિયા થકી દર્દીઓની સારવાર માટે મળે તેની વ્યવસ્થા કરી છે. આજે ડિજિટલ પેમેન્ટ માટેની વ્યવસ્થા કરી છે. આજે ગામડે ગામડે 108ની સુવિધાથી દર્દીઓને ઝડપથી સારવાર મળી રહી છે. આજે ઘરે ઘરે નળથી જળ મોકલવાની વ્યવસ્થા કરી છે. આજે દાહોદ જિલ્લાની આદિવાસી દિકરી નર્સ બની વિદેશમાં સેવા કરવા જાય તે કામ આપણે કર્યું છે. કોંગ્રેસના જમાનામાં પહેલા લોન મેળા કરે તેમાં પણ કટકી કરતા. કોંગ્રેસના સમયમાં આદિવાસીઓ દેવાના ડુંગરમાં હોમાઇ જતા આજે આદિવાસીઓનું જીવન બદલી નાખ્યું છે. આજે દાહોદમાં હિન્દુસ્તાનને દોડાવે તેવા એન્જિન બનાવવાના છે. અંહિના એન્જિન વિદેશમાં એક્સપોર્ટ કરવાના છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.