SCO સમિટ: જયશંકરે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ફટકાર લગાવી

બીજિંગઃ ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની શિખર બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનની સામે પાકિસ્તાનને ફટકાર લગાવી હતી. તેમણે રાષ્ટ્રપતિ શી જિનપિંગની હાજરીમાં પાકિસ્તાનને કડક સંદેશ આપતાં કહ્યું હતું કે ભારત આતંકવાદને ક્યારેય સહન નહીં કરે. તેમણે કહ્યું હતું કે આતંકીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. એ સાથે જ તેમણે પાકિસ્તાનને મદદ કરતા ચીનને પણ પોતાની અંદાજમાં ચેતવણી આપી. ભારતની આ ફટકાર બાદ પાકિસ્તાનના વલણમાં બદલાવ દેખાયો.

વિદેશ મંત્રી એસ. જયશંકરની આ કડક ટિપ્પણી બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારના સૂર બદલાયા હતા. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન શાંતિ અને સ્થિરતા પર આધારિત સંબંધ ઇચ્છે છે. એસ. જયશંકરે SCOની બેઠકમાં સરહદી આતંકવાદને મુદ્દે ચીન અને પાકિસ્તાન બંનેને સ્પષ્ટ સંદેશ આપ્યો. તેમણે પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત આતંકવાદ ક્યારેય સહન નહીં કરે અને આતંકીઓ સામે કડક કાર્યવાહી કરશે.

પાકિસ્તાન પર “ઓપરેશન સિંદૂર” યોગ્ય ઠેરવ્યું
જયશંકરે પહેલગામ આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાન પર થયેલી “ઓપરેશન સિંદૂર”ની કાર્યવાહી સંપૂર્ણપણે યોગ્ય ઠેરવી હતી. તેમના આ વલણથી પાકિસ્તાન અને ચીન બંનેનાં મોઢાં સિવાઈ ગયાં હતાં  તેમણે જણાવ્યું હતું કે SCO જૂથને આતંકવાદ અને ઉત્તેજનાત્મકતાના વિરોધમાં પોતાના સ્થાપનાના ઉદ્દેશ પર અડગ રહેવું જોઈએ અને આ પડકારો સામે કોઈ પણ પ્રકારની સમજૂતી ન કરવી જોઈએ. જયશંકરે ઉમેર્યું હતું કે પહેલગામ હુમલો જમ્મુ-કાશ્મીરના ટુરિઝમ અર્થતંત્રને નબળું બનાવવા અને ધાર્મિક વિભાજન ઊભું કરવા માટેની ષડયંત્રનો ભાગ હતો.

 જયશંકરના આ આક્રમક રવૈયાથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આશ્ચર્યચકિત રહી ગયા હતા. વિદેશ મંત્રીએ પાકિસ્તાન અને ચીન બંનેને ફટકાર્યા હતા.