રાજપીપળા: 31 ઓક્ટોબર, 2025ના રોજ લોહપુરૂષ સરદાર પટેલની 150મી જન્મજયંતિ છે. જે નિમિત્તે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતા નગરમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગરની મુલાકાત લેવાના છે. ત્યારે આ પ્રસંગે સરદાર પટેલના વંશજો પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે. વર્ષ 2014થી 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
સરદાર વલ્લભભાઈ પટેલના વંશજોમાં ગૌતમ ડાહ્યાભાઈ પટેલ (સરદાર પટેલના પૌત્ર), કે જેઓ હાલમાં ૮૦ વર્ષના છે, તેઓ પરિવારના વરિષ્ઠ સભ્ય તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ગૌતમભાઈના પત્ની ડો. નંદિતા પટેલ, સરદાર પટેલના પ્રપૌત્ર કેદાર ગૌતમ પટેલ પણ પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. ગૌતમભાઈના પત્ની રીના પટેલ તથા તેમની પુત્રી કરીના કેદાર પટેલ પણ એકતા નગર ખાતે હાજર રહેશે. આ ઉપરાંત ગૌતમ ડાહ્યાભાઈ પટેલના પિતરાઈ સમીર ઇન્દ્રકાંત પટેલ, તેમના પત્ની રીતા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે.
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ દેશની એકતા, અખંડતા અને સંકલ્પનું પ્રતિક છે. એકતા નગર હવે માત્ર પ્રવાસન સ્થળ નહીં પરંતુ રાષ્ટ્રની એકતાનું જીવંત પ્રતિક બની ગયું છે.


