પટનાઃ બિહારના નવા મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીએ શુક્રવારે બિહાર વિધાનસભામાં વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે બહુમતથી પાસ થયો હતો. વિશ્વાસ મત પ્રસ્તાવ ધ્વનિ મતથી મંજૂર થયો. તેજસ્વી યાદવના નેતૃત્વ હેઠળના વિપક્ષે મત વિભાગની માગ કરી નહોતી, જેને કારણે સરકારે સરળતાથી બહુમત સાબિત કર્યું. હકીકતમાં, આ માત્ર એક ઔપચારિક પ્રક્રિયા હતી. રાજ્યની NDA સરકાર પાસે પૂર્ણ બહુમત છે. ગઠબંધન પાસે વિધાનસભામાં કુલ 201 સભ્યોનું સમર્થન છે.
મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીને ભાજપ, JDU, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હમ અને રાષ્ટ્રીય લોક મોરચાના 201 ધારાસભ્યોનું સમર્થન છે. 243 બેઠકો ધરાવતી બિહાર વિધાનસભામાં એનડીએ પાસે બે તૃતીયાંશથી પણ વધુ બહુમત છે. હાલમાં સદનમાં કુલ 242 ધારાસભ્યો છે, કારણ કે ભાજપના ધારાસભ્ય નીતિન નવીન, જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે, તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા બાદ વિધાનસભામાંથી રાજીનામું આપી ચૂક્યા છે. તેઓ પટનાની બાંકિપુર બેઠક પરથી ધારાસભ્ય હતા.
જોકે સદનમાં વિશ્વાસ મત રજૂ થવાથી લઈને તેની મંજૂરી સુધી વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે ટકરાવ પણ જોવા મળ્યો હતો. વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને સમ્રાટ ચૌધરી આમનેસામને દેખાયા. ‘ઇલેક્ટેડ સીએમ’ અને ‘સિલેક્ટેડ સીએમ’ મુદ્દે બંને પક્ષો આક્રમક રહ્યા. તેજસ્વી યાદવે કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણી દરમિયાન 25થી 30, ફરીથી નીતીશ કહેતી ભાજપે હવે નીતીશકુમારને પૂર્ણ રીતે ખતમ કરી દીધા છે.
તેમણે સમ્રાટ ચૌધરીને કહ્યું કે પોતાની પઘડી સંભાળી રાખે, કારણ કે તેના પર વિજય સિન્હાની નજર છે. વિપક્ષના આક્ષેપોનો ઉપ મુખ્ય મંત્રી વિજય કુમાર ચૌધરીએ જવાબ આપ્યો. તેમણે કહ્યું હતું કે 2025થી 2030 સુધી નીતીશકુમારના માર્ગદર્શન હેઠળ જ સરકાર ચાલશે. તેમાં કોઈ શંકા નથી. 2020માં ઓછી બેઠકો આવ્યા છતાં ભાજપે JDUના નેતા નીતીશકુમારનું સન્માન કર્યું અને તેમના નેતૃત્વમાં સરકાર બનાવી.
તેમણે વધુમાં કહ્યું હતું કે આ મહિને નીતીશ કુમારથી સમ્રાટ ચૌધરીને સત્તા હસ્તાંતરણ એક મિશાલ બની ગયું છે. આ ઐતિહાસિક નિર્ણય છે. એનડીએ પ્રત્યે જનતાનો વિશ્વાસ અડગ છે.




