બિહારના નવા મુખ્ય મંત્રી માટે સમ્રાટ ચૌધરીનું નામ ફાઇનલઃ સૂત્ર

પટનાઃ બિહારના નવા મુખ્ય મંત્રી તરીકે સમ્રાટ ચૌધરીનું નામ ફાઇનલ થયું છે અને તેઓ બિહારના નવા મુખ્ય મંત્રી બનશે એવી માહિતી સૂત્રોએ આપી છે. આજે બિહારમાં નીતીશકુમારનો યુગ સમાપ્ત થશે.  નીતીશકુમાર આજે મુખ્ય મંત્રી પદેથી રાજીનામું આપવાના છે. ગઈ કાલે રાત્રે ઉપ-મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીના નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તેમના ઘર આસપાસ 50 મીટરના વિસ્તાર સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યાં બેરિકેડિંગ કરી પોલીસ તહેનાત કરવામાં આવી છે.

ગઈ કાલે મુખ્ય મંત્રીના રાજકીય સલાહકાર દીપક કુમાર સહિત ઘણા મોટા અધિકારીઓએ સમ્રાટ ચૌધરી સાથે મુલાકાત કરી હતી. સૂત્રો મુજબ તેમનું નામ ફાઇનલ થઈ ગયું છે અને તેઓ જ બિહારના નવા મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે.

નીતીશકુમાર આજે આપશે રાજીનામું

નીતિશ કુમાર આજે રાજ્યપાલને મળી પોતાનું રાજીનામું સોંપશે. 14 એપ્રિલે તેઓ પોતાની સરકારની કેબિનેટની છેલ્લી બેઠક કરશે અને પછી રાજીનામું આપશે.

15 એપ્રિલે શપથ ગ્રહણ

નીતીશકુમારના રાજીનામા બાદ 15 એપ્રિલે ગાંધી મેદાનમાં ભાજપના મુખ્ય મંત્રીના નેતૃત્વ હેઠળ એનડીએની નવી સરકારનું ગઠન થશે અને નવા મુખ્ય મંત્રી શપથ લેશે. 16 એપ્રિલથી સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર શરૂ થવાનું છે, જેમાં મહિલાઓને આરક્ષણ આપવા મુદ્દે ચર્ચા થશે. નીતીશકુમાર આ સત્રમાં ભાગ લેશે અને તે પહેલાં બિહારમાં સરકાર પરિવર્તનની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેશે.

મોટો રાજકીય બદલાવ

બિહારના રાજકારણમાં ફરી એક વાર મોટા ફેરફારના સંકેતો દેખાઈ રહ્યા છે। પટનાનાં રાજકીય વર્તુળોમાં ચહલપહલ ત્યારે વધી ગઈ જ્યારે રવિવારે 20 કલાકમાં સમ્રાટ ચૌધરીએ મુખ્ય મંત્રી નીતીશકુમાર સાથે બીજી વાર મુલાકાત કરી હતી આ હાઇ-પ્રોફાઇલ બેઠક પછી રાજ્યમાં નવી સરકારના ગઠનની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હોવાનું માનવામાં આવે છે.