બેંગલુરુઃ કર્ણાટકના રહેવાસીઓને છેલ્લાં ત્રણ વર્ષમાં સાયબર છેતરપિંડીને કારણે રૂ. 5474 કરોડનું નુકસાન થયું છે. માત્ર 2025માં જ રૂ. 2000 કરોડનું નુકસાન થયું છે. એટલે કે સરેરાશ પ્રતિ દિન રૂ. 6 કરોડથી વધુની છેતરપિંડી થઈ રહી છે, જ્યારે પ્રતિ દિન માત્ર રૂ. 60 લાખની જ વસૂલાત થઈ રહી છે. અધિકારીઓ અત્યાર સુધી રૂ. 627 કરોડની વસૂલાત કરી ચૂક્યા છે, એમ ગૃહ મંત્રી જી. પરમેશ્વરે વિધાનસભામાં માહિતી આપી હતી.
સકલેશપુરના ભાજપ વિધાનસભ્ય એસ. મંજુનાથના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે તાજેતરના દિવસોમાં સાયબર છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. છેલ્લાં ચાર વર્ષમાં કર્ણાટકમાં 52,000 સાયબર છેતરપિંડીની ઘટનાઓ બની છે અને આ આંકડો પ્રતિ દિન વધી રહ્યો છે. મંત્રીએ સ્માર્ટફોન અને ઇન્ટરનેટ ધરાવતા કોમ્પ્યુટરમાં સરળ ઉપલબ્ધતા, ડિજિટલ સાક્ષરતાની અછત, સોશિયલ મિડિયાનો વધારે ઉપયોગ, આર્થિક લાભનો લાલચ અને અદ્યતન ટેક્નોલોજીનો દુરુપયોગ જેવાં પરિબળોને સાયબર ગુના માટે જવાબદાર ગણાવ્યા હતા.સાયબર ગુનાને અટકાવા રાજ્ય દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને લઈને પણ તેમણે વાત કરી, જેમાં પોલીસ કાયદામાં કરવામાં આવેલા સુધારો પણ સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે ઓલ ઈન્ડિયા ગેમિંગ ફેડરેશને સુધારા પર અદાલતથી રોક કરાવી છે અને કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસની સુનાવણી 19 ડિસેમ્બરે થશે.
નુકસાનનો વિગતવાર ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે 2023માં 22,000થી વધુ સાયબર છેતરપિંડીના કેસ નોંધાયા હતા, જેમાંથી માત્ર મર્યાદિત કેસમાં જ ઓળખ થઈ શકી હતી અને રૂ. 873 કરોડનું નુકસાન થયું હતું, તેમાંથી રૂ. 177 કરોડની વસૂલાત થઈ હતી.
2024માં 22,400 કેસોમાં રૂ. 2500 કરોડથી વધુનું નુકસાન થયું, જેમાંથી અધિકારીઓએ રૂ. 300 કરોડથી વધુ વસૂલ્યા હતા. વર્ષ 2025 સુધીમાં સરકારી પગલાં બાદ સાયબર છેતરપિંડીના કેસ અંદાજે 13,000 સુધી ઘટ્યા છે, છતાં રૂ. 2000 કરોડથી વધુનું નુકસાન થયું છે અને અત્યાર સુધી રૂ. 125 કરોડની વસૂલાત થઈ છે.




