1918માં ડૂબેલા જહાજમાંથી મળેલી ભારતીય નોટોની હરાજી

લંડન: 1918માં છપાયેલી 10 રૂપિયાની દુર્લભ નોટની આગામી બુધવારે લંડનમાં હરાજી યોજાવાની છે. આ નોટ મુંબઈથી લંડન જઈ રહેલા એક જહાજના ભંગારમાંથી મળી છે. લંડનમાં નૂનાન્સ મેફેર ઓક્શન હાઉસ તેમના વર્લ્ડ બેંકનોટ્સ વેચાણના ભાગરૂપે આ બે 10 રૂપિયાની નોટની હરાજી કરવાનું છે. આ નોટો એસ. એસ. શિરાલા નામના જહાજના ભંગારમાંથી મળી છે. જે જર્મન યુ-બોટમાં ડૂબી ગયુ હતું. આ નોટ પર 25 મે 1918ની તારીખ છે. જ્યારે જહાજ 2જી જુલાઈ, 2018ના રોજ ડૂબી ગયુ હતું.મુંબઈથી લંડન જઈ રહેલાં આ જહાજમાં નોટોના આખા બ્લોકસ, દારૂગોળા સહિતની અનેક સામગ્રી હતી. જેમાંથી ઘણી નોટો તરીને કિનારા પર આવી હતી. નોટો પર કલકત્તાથી હસ્તાક્ષર અને સ્ટેમ્પ લગાવવામાં આવ્યા છે અને તેની તારીખ 1917 અને 1930 ની વચ્ચે છે. નોટની બીજી બાજુ પર હિન્દી, ઉર્દૂ, ગુજરાતી અને બંગાળી સહિત વિવિધ ભારતીય ભાષાઓમાં 10 રૂપિયા લખેલા છે. નોટ પર તેનો સિરિયલ નંબર પણ સ્પષ્ટ વાંચી શકાય છે. દસ રૂપિયાની નોટો સિવાય આ હરાજીમાં 100 રૂપિયાની દુર્લભ નોટનો પણ સમાવેશ કરાયો છે.