રાજકોટના TRP ગેમઝોનમાં મોટી દુર્ઘટના

રાજ્યમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. રાજકોટ જિલ્લામાં કાલાવડ રોડ પર મોટી આગ લાગી હતી. આગ લાગતાની સાથે કાલાવડ રોડ પર ચકચાર મચી ગયો હતો. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા. TRP ગેમઝોનમાં આગ લાગી છે. ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમઝોનમાં આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં જોતરાયું છે. આખું ગેમઝોન આગમાં બળીને ખાખ થઇ ગયું. જોકે, આ આગના કારણે બે બાળકોના મોતની આશંકા પણ સેવાઈ રહી છે.

આગ લાગતા ત્યાં હાજર પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો છે કે 10થી 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા ફાયરબ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. આ ગેમઝોનમાંથી 15થી 20 બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર હાજર છે. ગેમઝોનમાં આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું.