રાહુલ ગાંધીએ USમાં મહારાષ્ટ્ર ચૂંટણીનો ઉઠાવ્યો મુદ્દોઃ ભાજપનો પલટવાર

બોસ્ટનઃ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. અહીં તેમણે બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સત્ર કર્યું હતું. આ દરમિયાન તેમણે ગયા વર્ષની મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે દેશની ચૂંટણી વ્યવસ્થામાં ઘણી સમસ્યાઓ છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પણ આક્ષેપો કર્યા છે.

કોંગ્રેસ નેતાએ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે સાફ શબ્દોમાં કહીએ તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં યુવાનોના મતદારોની સંખ્યા અપેક્ષિત સંખ્યા કરતાં વધુ હતી. આ એક હકીકત છે. ચૂંટણી પંચે અમને સાંજના 5.30 વાગ્યા સુધીના મતદાનના આંકડા આપ્યા હતા અને સાંજે 5:30થી 7:30 વાગ્યાની વચ્ચે જ્યારે મતદાન સમાપ્ત થવું જોઈતું હતું ત્યારે 65 લાખ મતદારોએ મતદાન કર્યું હતું.

હવે, તે થવું શારીરિક રીતે અશક્ય છે, તે નથી? કારણ કે એક મતદારને પોતાનો મત આપવા માટે લગભગ ત્રણ મિનિટનો સમય લાગે છે અને જો તમે ગણતરી કરો તો તેનો અર્થ એ થશે કે સવારે બે વાગ્યા સુધી મતદારોની કતારો હતી અને તેઓ આખી રાત મતદાન કરતા રહ્યા અને આવું થયું નહીં.

તેમણે કહ્યું હતું  અમે ચૂંટણી પંચને પૂછ્યું હતું કે શું મતદાન પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. પંચે સ્પષ્ટ ના પાડી દીધી અને તેણે કાયદો પણ બદલી નાખ્યો. તેથી, હવે તમે મતદાન પ્રક્રિયાની વિડિયોગ્રાફી માટે પણ કહી શકતા નથી. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર આરોપ લગાવતા કહ્યું કે ચૂંટણી પંચે સમાધાન કર્યું છે. તે ખૂબ જ સ્પષ્ટ છે કે ચૂંટણીપ્રક્રિયામાં ઘણી ખામીઓ છે. આટલું જ નહીં, રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે આ મુદ્દો મેં અગાઉ પણ ઘણી વખત ઉઠાવ્યો છે.

ભાજપનો પલટવાર

રાષ્ટ્રીય પ્રવકતા શહજાદ પૂનાવાલાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીનો ઉદ્દેશ વિદેશમાં જઈને દેશને અપમાનિત કરવાનો છે. ભાજપે કોંગ્રેસ સાસંદ પર દેશને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.