નવી દિલ્હીઃ વકફ સંશોધન બિલને સંસદનાં બંને ગૃહમાં પસાર કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષે આ મામલે સુપ્રીમમાં જવાની વાત કરી છે. ત્યારે હવે વકફ સુધારા બિલ પસાર થયા બાદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહારો કરતાં કહ્યું હતું કે ભવિષ્યમાં અન્ય સમુદાયોને નિશાન બનાવવાની આશંકા છે. તેમનું કહેવું છે કે આ કાયદો મુસલમાનોની વિરુદ્ધ છે. આ મુદ્દે તેમણે સરકારને ઘેરી છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક અંગ્રેજી અખબારનો અહેવાલ શેર કર્યો છે અને લખ્યું છે કે મેં કહ્યું હતું કે વકફ બિલ હાલમાં મુસ્લિમો પર હુમલો કરે છે, પરંતુ ભવિષ્યમાં અન્ય સમુદાયોને પણ નિશાન બનાવવામાં આવશે. તેમણે આગળ લખ્યું હતું કે વકફ બાદ RSSનું ધ્યાન ખ્રિસ્તીઓ તરફ જતા વધુ સમય નથી લાગ્યો. બંધારણ એકમાત્ર ઢાલ છે જે આપણા લોકોને આવા હુમલાઓથી રક્ષણ આપે છે અને તેનું રક્ષણ કરવું એ આપણું સામૂહિક કર્તવ્ય છે.
રાહુલ ગાંધીએ જે અહેવાલ શેર કર્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે સંસદમાં વક્ફ બિલ સફળતાપૂર્વક પસાર થયા બાદ RSSનું ધ્યાન કેથોલિક ચર્ચની જમીન પર ગયું છે. RSS-સંલગ્ન મેગેઝિન ઓર્ગેનાઇઝરના વેબ પોર્ટલ પર ‘ભારતમાં કોની પાસે વધુ જમીન છે? કેથોલિક ચર્ચ વિરુદ્ધ વક્ફ બોર્ડ ચર્ચા- શીર્ષકવાળા લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે કેથોલિક સંસ્થાનો પાસે સાત કરોડ હેક્ટર જમીનની માલિકી છે અને તેને સૌથી મોટા બિન-સરકારી જમીન માલિક તરીકે વર્ણવવામાં આવ્યા છે.
I had said that the Waqf Bill attacks Muslims now but sets a precedent to target other communities in the future.
It didn’t take long for the RSS to turn its attention to Christians.
The Constitution is the only shield that protects our people from such attacks – and it is… pic.twitter.com/VMLQ22nH6t
— Rahul Gandhi (@RahulGandhi) April 5, 2025
4 એપ્રિલ, 2025 શુક્રવારે સંસદે વકફ (સુધારા) બિલ 2025ને રાજ્યસભામાં લગભગ 14 કલાકની ચર્ચા બાદ મંજૂરી આપી દીધી હતી. રાજ્યસભામાં આ બિલનાં સમર્થનમાં 128 મતો પડ્યા હતા જ્યારે 95 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. સરકારે કહ્યું હતું કે આ કાયદો મુસ્લિમો વિરુદ્ધ નથી, તેને બદલે તેનો હેતુ ફક્ત વકફ મિલકતોના વહીવટમાં પારદર્શિતા લાવવાનો છે, જ્યારે વિપક્ષે આ બિલનો હેતુ મુસ્લિમોને બીજા વર્ગના નાગરિકો બનાવવાનો આરોપ લગાવ્યો હતો.
