માલેગાંવ વિસ્ફોટ કેસના ચુકાદા માટે વિપક્ષે ઉઠાવ્યા પ્રશ્નો

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રની NIA કોર્ટે 2008ના માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં શાસક પક્ષ અને વિપક્ષ બંનેની પ્રતિક્રિયાઓ સામે આવી છે. જ્યાં ભાજપે આ દિવસને ઐતિહાસિક ગણાવ્યો છે, ત્યારે વિપક્ષે ચુકાદાને નિરાશાજનક ગણાવ્યો છે.

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ દાવો કર્યો હતો કે આ વિસ્ફોટમાં છ નમાજીનાં મોત થયાં હતાં અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા.

ઓવેસીએ ‘X’ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે માલેગાંવ વિસ્ફોટ કેસનો ચુકાદો ખૂબ નિરાશાજનક છે. વિસ્ફોટમાં છ નમાજીનાં મોત થયાં હતાં અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા. તેમને તેમના ધર્મને આધાર પર નિશાન બનાવાયા હતા. જાણીબૂજીને નબળી તપાસ અને પ્રોસિક્યુશન જ આરોપીઓને છોડાવા માટે જવાબદાર છે.’

તેમણે કહ્યું કે વિસ્ફોટ થયા પછી 17 વર્ષ પછી કોર્ટે પુરાવાના અભાવે તમામ આરોપીઓને છોડી મૂક્યા છે. તો શું મોદી સરકાર અને ફડણવીસ સરકાર આ ચુકાદા સામે અપીલ કરશે? જેમ તેમણે મુંબઈ ટ્રેન વિસ્ફોટમાં આરોપીઓને છોડી મૂકવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો, તેમ અહીં પણ કરશે? શું મહારાષ્ટ્રના ધર્મનિરપેક્ષ રાજકીય પક્ષો જવાબદારી લેશે? એ છ લોકોની હત્યા કોણે કરી હતી?

અખિલેશ યાદવે ચુકાદાની ટાઈમિંગ પર પ્રશ્ન ઉઠાવ્યો

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ચુકાદાની ટાઈમિંગ પર શંકા વ્યક્ત કરી. અખિલેશે કહ્યું હતું કે મેં અહેવાલ વાંચ્યો નથી, પરંતુ આવી મોટી ઘટનામાં સામેલ આરોપીઓને સજા મળવી જોઈએ.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે આતંકવાદને કોઈ પણ ધર્મ સાથે ન જોડવો જોઈએ નહીં અને કોઈ પણ માન્યતા હિંસાને સમર્થન આપતી નથી. કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે ન તો કોઈ હિંદુ આતંકી હોઈ શકે છે, ન તો કોઈ મુસલમાન, શીખ કે ખ્રિસ્તી.