PM મોદીએ બિહારને 13,000 કરોડની વિકાસ યોજનાઓની આપી ભેટ

ગયાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના પ્રવાસે છે. ગયામાં તેમણે જનસભાને સંબોધિત કરી હતી. એ દરમિયાન તેમણે રાજ્યને 12,992 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓની ભેટ આપી. બિહારના ચૂંટણી વર્ષમાં આ તેમનો ચોથો પ્રવાસ છે.

ગયામાં યોજાયેલી જનસભામાં લાખોની સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. અહીં તેમણે અનેક યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો, જેમાં મૂળભૂત માળખાં, શિક્ષણ, આરોગ્ય અને પરિવહન સાથે સંબંધિત યોજનાઓનો સમાવેશ થાય છે. ગયાથી જ તેમણે ઔંટા-સિમરિયા પૂલનું ઉદઘાટન કર્યું. આ પૂલ પ્રાદેશિક સંપર્કને વધુ સારો બનાવશે અને સ્થાનિક વેપારને નવી ગતિ આપશે. સાથે જ તેમણેએ ગયાથી નવી દિલ્હીની વચ્ચે દોડનારી અમૃત ભારત એક્સપ્રેસ અને બુદ્ધિસ્ટ સર્કિટ ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી પણ બતાવી હતી..

ચૂંટણી પહેલાં વિકાસની ભેટ

વડા પ્રધાને આ પ્રવાસ માત્ર વિકાસ યોજનાઓની જાહેરાત માટે જ નહીં પરંતુ આવનારી ચૂંટણીને લઈને રાજકીય સંકેતો આપવા માટે પણ મહત્વનો છે. આ  13,000 કરોડ રૂપિયાની યોજનાઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રોજગાર, આધારભૂત માળખાં અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી રહી છે.

વડા પ્રધાને ગયામાં ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગયાની રેલીમાં વડા પ્રધાને કહ્યું હતું કે  જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદને પાકું ઘર નથી મળી જતું ત્યાં સુધી મોદી ચેનથી નહીં બેસે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે ગયામાં પણ બે લાખથી વધારે પરિવારોને પાકું ઘર આપવામાં આવ્યું છે.

તેમણે કહ્યું હતું કે RJDના શાસનમાં ગયા અંધકારમાં ગરકાવ જતું રહ્યું હતું. બિહારના લોકોને RJDએ સ્થળાંતર કરવા માટે મજબૂર કર્યા હતા. ગરીબોના સુખ-દુઃખથી RJDને કોઈ લેવાદેવા નથી.

બિહારની ધરતી પર લીધેલો સંકલ્પ પૂરો

તેમણે કહ્યું હતું  કે બિહાર ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યની ધરતી છે. આ ધરતી પર લીધેલો દરેક સંકલ્પ ક્યારેય વ્યર્થ ગયો નથી. જ્યારે કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો, અમારા નિર્દોષ નાગરિકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખવામાં આવ્યા, ત્યારે મેં બિહારની આ ધરતી પરથી આતંકીઓને માટીમાં મિલાવવાનો સંકલ્પ લીધો હતો. આજે વિશ્વ જોઈ રહી છે કે બિહારની ધરતી પર લીધેલો સંકલ્પ પૂરું થયો છે.