નવી દિલ્હીઃ વિરોધ પક્ષો મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) વિરુદ્ધ ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ લાવવા માટે વિચારવિમર્શ કરી રહ્યા છે. અનેક વિરોધી પક્ષો આ મુદ્દે મંથન કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલા ‘વોટ ચોરી’ના આક્ષેપો અને બિહારમાં મતદાર યાદીની વિશેષ ગહન પુનઃસમીક્ષા (SIR)ને લઈને વિરોધ પક્ષોના સતત વિરોધ વચ્ચે ચૂંટણી પંચે (ECI) રવિવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોંગ્રેસ સાંસદ સૈયદ નાસિર હુસૈને મુખ્ય ચૂંટણી પંચ વિરુદ્ધ ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ લાવવાની શક્યતા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે આ વિષય પર પક્ષની અંદર હજી સુધી કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ જો જરૂર પડશે તો નિયમો મુજબ કોંગ્રેસ ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ લાવે એવી શક્યતા છે.
મુખ્ય ચૂંટણી પંચ કમિશનરના જવાબ
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે આવા ખોટા અને પાયાવિહોણા આક્ષેપોનો અસર ન પંચ પર પડશે, ન તો મતદાતાઓ પર. ચૂંટણી પંચ નીડરપણે અને નિષ્પક્ષતાથી કામ કરતું રહેશે. તેમણે ફરીથી જણાવ્યું હતું કે પંચનું કામ રાજકારણ કરનારા લોકોના પ્રભાવથી દૂર રહીને તમામ મતદાતાઓ માટે સમાન તકો સુનિશ્ચિત કરવાનું છે.
મતદાર યાદીમાં ગેરરીતિઓને લઈને વિરોધ પક્ષના આક્ષેપો પર કડક વલણ અપનાવતાં પંચે માહિતી આપી હતી કે અત્યાર સુધીમાં 28,370 મતદારોએ પોતાના દાવા અને આક્ષેપો નોંધાવ્યા છે. આ માટે સમયમર્યાદા 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી રાખવામાં આવી છે.
SIR વિરુદ્ધ વિરોધ પક્ષે ખોલ્યો મોરચો
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં જ ચાર મહિના પહેલાં ચૂંટણી પંચે રાજ્યની મતદાર યાદીની વિશેષ ગહન પુનઃસમીક્ષા (SIR) શરૂ કરી છે, જેનો વિરોધ પક્ષો કડક વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે સંસદના ચોમાસુ સત્રમાં પણ ચર્ચા થઈ છે અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.


