નેપાળમાં રાષ્ટ્રપતિ નિવાસ પર કબજો, PM દુબઈ ભાગે એવી શક્યતા

કાઠમંડુઃ નેપાળના વડા પ્રધાન કે.પી. શર્મા ઓલી  પર રાજીનામું આપવાનું દબાણ છે. તેઓ દુબઈ જતા રહેવાની શક્યતા છે. કાઠમંડુમાં ઓલીના નિવાસની નજીક ગોળીબારી થયાની ખબર છે.  આર્મી ચીફે પણ વડા પ્રધાનને રાજીનામા આપવા કહ્યું છે. નેપાળ સરકારે વિરોધ પ્રદર્શનો બાદ નવ સપ્ટેમ્બરે દેશમાંથી સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર લાગુ કરેલો પ્રતિબંધ હટાવી લીધો છે. આ હિંસક પ્રદર્શન દરમ્યાન ઓછામાં ઓછા 19 લોકોનાં મોત નીપજ્યાં છે.

નેપાળમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. પ્રદર્શનો હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. કાઠમંડુ સહિત અનેક વિસ્તારોમાં આગજની, તોડફોડ અને પથ્થરમારો થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલના ખાનગી નિવાસ પર પ્રદર્શનકારીઓએ કબજો કરી તોડફોડ અને આગ લગાવી દીધી છે. હિંસક પ્રદર્શનો વચ્ચે કે.પી. ઓલીએ સાંજે છ વાગ્યે સર્વપક્ષી બેઠક બોલાવી છે. કર્ફ્યુ અને સુરક્ષાના કડક પગલાં છતાં પ્રદર્શનોનો વ્યાપ વધી રહ્યો છે અને રાજકીય સંકટ ઘેરાઈ રહ્યું છે.

નેપાળે તાજેતરમાં ફેસબુક, X, અને યુટ્યુબ  સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને દેશભરમાં પ્રતિબંધિત કરી દીધા હતા, જેના પછી દેશના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. નેપાળના પ્રધાનમંત્રી કે.પી. ઓલીએ જણાવ્યું કે તેમને આ પ્રદર્શનથી ખૂબ દુઃખ થયું છે. તેમણે કહ્યું હતું કે સરકાર સોશિયલ મિડિયા વપરાશ પર પ્રતિબંધ લગાડવાના પક્ષમાં નથી. સરકાર આ ઘટનાની તપાસ માટે સમિતિ રચશે, જે 15 દિવસની અંદર પોતાનો અહેવાલ આપશે.

RSPના 21 સાંસદોનાં સામૂહિક રાજીનામાં

નેપાળમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના 21 સાંસદોએ સામૂહિક રાજીનામાં આપ્યાં છે. રવિ લામીચ્છાનેએના નેતૃત્વ હેઠળ પ્રથમ વાર ચૂંટણી જીતેલી આ પાર્ટી શરૂઆતથી જ પ્રદર્શનો સાથે ઊભી રહી છે. પાર્ટીનું કહેવું છે કે હાલની પરિસ્થિતિમાં સંસદ ભંગ કરી નવી ચૂંટણી કરાવવી જોઈએ જેથી જનતાને યોગ્ય વિકલ્પ મળી શકે. આ પગલું ઓલી સરકાર પર ભારે દબાણ વધારનાર ગણાય છે.

આ પહેલાં વડા પ્રધાન કે.પી. ઓલીની પાર્ટીના નેતા રઘુવીર મહાસેઠ અને માઓવાદી અધ્યક્ષ પ્રચંડનાં ઘરો પર પણ હુમલો થયો હતો. ગૃહ મંત્રી રમેશ લેખક, કૃષિમંત્રી રામનાથ અધિકારી, આરોગ્યમંત્રી સહિત નવ મંત્રીઓએ રાજીનામાં આપી દીધાં છે. સતત વધતા દબાણ વચ્ચે પી.એમ. ઓલી સારવારના નામે દુબઈ જવાની તૈયારીમાં છે.