ટેક્સટાઈલ માર્કેટમાં ફાગોત્સવના નામે અશ્લીલ ડાન્સ

સુરતઃ ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવને નામે યોજાયેલો એક કાર્યક્રમ વિવાદોમાં સપડાયો છે. સોશિયલ મિડિયા પર વાયરલ થયેલા એક વિડિયોમાં ફાગોત્સવમાં અશ્લીલ ડાન્સ થતો જોવા મળ્યો છે, જેને કારણે વેપારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા આયોજિત ફાગોત્સવમાં બહારથી યુવતીઓને બોલાવવામાં આવી હતી, જેમણે નાચગાનની સાથે અશ્લીલ હરકતો કરી હતી. વિડિયોમાં વેપારીઓ પણ યુવતીઓ પર નોટો ઉડાવતા સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટના બાદ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTA)ના પ્રમુખે આ કૃત્યને સભ્ય સમાજને ન શોભે તેવું ગણાવીને સખત શબ્દોમાં વખોડ્યું છે.

આ ઘટનાને લઈને વેપારી આલમમાં ભારે ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે. ઘણા વેપારીઓએ વાયરલ વિડિયોમાં અશ્લીલ હરકતો કરતા વેપારીઓ સામે ફિટકાર વરસાવ્યો છે. એક તરફ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાથી વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે આવા સમયે વેપારીઓની આ પ્રકારની હરકતથી વેપારી આલમનું માથું શરમથી ઝૂકી ગયું છે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાશ હકીમે આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે સભ્ય સમાજને ન શોભે તેવી આ અશ્લીલતા છે. સામાજિક અને કલ્ચરલ કાર્યક્રમો થવા જોઈએ, પરંતુ આવા કાર્યક્રમોમાં આ પ્રકારની અશ્લીલતા બિલકુલ યોગ્ય નથી. આ વિડિયોમાં જે દ્રશ્યો જોવા મળ્યાં છે તે પારિવારિક સમાજના લોકો પણ જોઈ શકે તેવાં નથી, એક પ્રકારે બીભત્સ દ્રશ્યો છે. તમામ વેપારીઓને અપીલ છે કે તેઓ ભવિષ્યમાં આ પ્રકારનું વર્તન ટાળે. માર્કેટમાં આગની દુર્ઘટનામાં વેપારીઓને પહેલેથી જ કરોડોનું નુકસાન થયું છે, જેના કારણે સૌ વેપારીઓમાં દુઃખની લાગણી છે.