સંસદે બનાવેલા વકફ કાયદામાં ‘સુપ્રીમ’ હસ્તક્ષેપ નહીં

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈએ વક્ફ બોર્ડની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. તેમના જણાવ્યા મુજબ સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાને બંધારણીય માન્યતા હોય છે. આવા સમયે જ્યાં સુધી કોઈ મજબૂત મુદ્દો સામે ન આવે, ત્યાં સુધી કોર્ટ હસ્તક્ષેપ કરી શકતી નથી.

કોર્ટમાં દલીલો દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે વક્ફ એ અલ્લાને અપાયેલું દાન છે. એક વાર કોઈ સંપત્તિ વક્ફ તરીકે આપવામાં આવે, તો તે હંમેશાં માટે વક્ફની બની જાય છે અને તેને બીજાને ટ્રાન્સફર કરી શકાતી નથી.

વક્ફ સુધારા અધિનિયમ 2025ને પડકાર આપતી યાચિકાઓનું પ્રતિનિધિત્વ કરતાં કપિલ સિબ્બલે કહ્યું ત્રણ જટિલ મુદ્દાઓ છે, જેમાં વક્ફ બોય યુઝરમાં એવી સંપત્તિઓ આવે છે જે વક્ફ બોર્ડને દાનરૂપે મળી નથી, પરંતુ લાંબા સમયથી વક્ફ માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. બીજું મુદ્દો એ છે કે વક્ફ બોર્ડમાં મુસ્લિમ ન હોઈ તેવા સભ્યોને સામેલ કરવાની વાત છે. ત્રીજો પ્રશ્ન વક્ફ કાયદામાં રહેલી એ જોગવાઈનો છે કે જેમાં વક્ફ સંપત્તિઓની તપાસ કરવાની જવાબદારી કલેક્ટરને આપવામાં આવી છે, એટલે કે જો કલેક્ટરને શંકા થાય કે આ સંપત્તિ વક્ફની નથી, તો તેને વક્ફની જમીન માનવામાં નહીં આવે.

છેલ્લા સુનાવણીએ સુપ્રીમ કોર્ટે વક્ફ અધિનિયમ 1955 પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો, તેમ છતાં કોર્ટે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને કેન્દ્ર સરકારને 19 મે સુધી લેખિત નોંધ રજૂ કરવાની સૂચના આપી હતી.