નેપાળના CM કેપી શર્મા ઓલીએ આપ્યું રાજીનામું

કાઠમંડુઃ નેપાળમાં જેન-Z પ્રદર્શનકારીઓના વિરોધ પ્રદર્શનથી બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે વડા પ્રધાનનું નિવાસસ્થાન પણ છોડ્યું છે. પ્રદર્શનકારીઓ કેપી શર્મા ઓલીના રાજીનામાની માગ કરી રહ્યા હતા. એવો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે કે કેપી શર્મા ઓલી નેપાળ છોડી શકે છે.

નેપાળના યુવાનોનું મંગળવારે ઉગ્ર સ્વરૂપ અનેક શહેરોમાં જોવા મળ્યું હતું. નેપાળની સંસદને સળગાવી દીધી. આ પહેલાં પ્રદર્શનકારીઓએ વડા પ્રધાન કેપી શર્મા ઓલીના ખાનગી નિવાસ ઉપરાંત અનેક નેતાઓ અને ભૂતપૂર્વ વડા પ્રધાનોનાં ખાનગી ઘરોમાં તોડફોડ કરી. અનેક જગ્યાએ પ્રદર્શનકારીઓ સુરક્ષા દળોને ભગાડતા જોવા મળ્યા. પ્રદર્શનકારીઓએ જાહેર સ્થળોએ ભેગા થવા પર લાગેલા પ્રતિબંધોને નકારી કાઢતાં વિદ્યાર્થીઓને ન મારશો જેવા સૂત્રો પોકાર્યાં હતાં.

નેપાળની ઘટનાઓ પર ભારતની નજર

વિદેશ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે નેપાળમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન ઘણા યુવાનોનાં મોતથી ભારતને અત્યંત દુઃખ થયું છે અને તેને આશા છે કે મુદ્દાઓનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે આવશે. મંત્રાલયે એ પણ કહ્યું હતું કે ભારત પડોશી દેશની ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક નજીકના મિત્ર અને પડોશી તરીકે, અમને આશા છે કે તમામ પક્ષો સંયમ રાખશે અને શાંતિપૂર્ણ માર્ગો તથા વાતચીત દ્વારા કોઈ પણ મુદ્દાનો ઉકેલ લાવશે.