લોકસભા ચૂંટણીમાં લગભગ 100 બેઠકો પર થઈ ગેરરીતિ: રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ગઈ લોકસભા ચૂંટણીમાં લગભગ 100 બેઠકો પર ગેરરીતિઓ થઈ હતી અને જો તેમાંથી ફક્ત 15 બેઠકો પર પણ ગેરરીતિ ન થઈ હોત તો નરેન્દ્ર મોદી આજે દેશના વડા પ્રધાન ના હોત.

લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ કોંગ્રેસના કાનૂની, માનવ અધિકાર અને RTI વિભાગ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કાનૂની સંમેલનમાં એ વાત ફરીથી પુષ્ટિ કરી હતી કે કર્નાટકના એક મતવિસ્તારમાં મતદાર યાદીમાં જે ચેડાં થયા છે તેના પુરાવા એટમ બોમ્બ જેવા છે.

દિલ્હીમાં આયોજિત વાર્ષિક લીગલ કોન્ક્લેવ 2025માં શનિવારે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રણાલી હવે સમાપ્ત થઈ ગઈ છે. અમુક જ દિવસોમાં અમે સાબિત કરીશું કે લોકસભા ચૂંટણીમાં ગેરરીતિઓ થઈ છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું હતું અમારા હાથમાં એવો પુરાવો છે જેના દ્વારા અમે આખા દેશમાં બતાવીશું કે ચૂંટણી પંચ જેવી સંસ્થા હવે અસ્તિત્વમાં રહી નથી. તે ગાયબ થઈ ગઈ છે. આ પુરાવા એકત્ર કરવા માટે અમને સતત છ મહિના કામ કરવું પડ્યું છે. તમે બિનસંદિગ્ધ રીતે જોશો કે કેવી રીતે લોકસભા ચૂંટણી ચોરાઈ શકે છે. 6.5 લાખ મતદાર મત આપે છે અને તેમાંના 1.5 લાખ મતદાર બોગસ હોય છે.