પવારને રાષ્ટ્રપતિ બનવાની ઈચ્છા નથી

મુંબઈઃ રાષ્ટ્રપતિપદની આગામી ચૂંટણીમાં શરદ પવાર વિરોધપક્ષોના સર્વમાન્ય ઉમેદવાર તરીકે પસંદ કરાય એવી ગઈ કાલે અમુક અહેવાલોમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પવારે સ્પષ્ટતા કરી છે કે એમને રાષ્ટ્રપતિ બનવાની કોઈ ઈચ્છા નથી.

પવારે ગઈ કાલે એમના પક્ષના પ્રધાનો અને વરિષ્ઠ નેતાઓને જણાવ્યું હતું કે પોતાને રાષ્ટ્રપતિપદ માટે વિપક્ષી ઉમેદવાર બનાવવામાં આવે એવી તેમને કોઈ ઈચ્છા નથી. ભાજપની સામે કોઈ સર્વાનુમત ઉમેદવાર પસંદ કરવામાં આવે એ માટે તેઓ વિરોધપક્ષો તથા સમાન વિચારસરણી ધરાવતા પક્ષોના નેતાઓ સાથે વાત કરશે, એમ પણ તેમણે કહ્યું છે.

દેશના નવા, 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આવતી 18 જુલાઈએ મતદાન થવાનું છે અને 21 જુલાઈએ મતગણતરી અને પરિણામનો દિવસ નક્કી કરાયો છે.