દિલ્હીમાં લાગશે રાષ્ટ્રપતિ શાસન?: સરકારને બરખાસ્ત કરવાની માગ

નવી દિલ્હીઃ શું દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે? દિલ્હી ભાજપના વિધાનસભ્યોએ રાષ્ટ્રપતિને પત્ર લખીને કેજરીવાલ સરકારને બરખાસ્ત કરવાની માગ કરી છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુથી મુલાકાત કરીને તેમને પત્ર સોંપ્યો છે. હવે રાષ્ટ્રપતિ સચિવાલયે એના પર માહિતી લીધી છે.

ભાજપના વિધાનસભ્યોએ આ પત્રમાં બંધારણીય સંકટનો હવાલો આપતાં દિલ્હી સરકારને બરખાસ્ત કરવાની માગ કરી છે. આ પત્રમાં દિલ્હીના CM કેજરીવાલ જેલમાં હોવાનો હવાલો આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ઓફિસે એ પત્ર ગૃહ મંત્રાલયને સોંપ્યો છે.

દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું હતું કે બંધારણના ઉલ્લંઘન માટે આપ પાર્ટીની સરકારને બરખાસ્ત કરવાની માગને લઈને ભાજપના વિધાનસભ્યો દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપવામાં આવેલો પત્ર ગૃહ મંત્રાલયને સોંપવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે દિલ્હી સરકાર દ્વારા છઠ્ઠા દિલ્હી નાણાં પંચની રચના નથી કરવામાં આવી અને કેગ રિપોર્ટ પર કોઈ કાર્યવાહી ના કરવી એ બંધારણનું ઉલ્લંઘન છે.

ભાજપનું એક પ્રતિનિધિ મંડળે 30 ઓગસ્ટે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને એક પત્ર સોંપ્યો હતો. રાષ્ટ્રપતિએ એ પત્રને ગૃહ સચિવને મોકલી દીધો હતો. તેમણે કહ્યું હતું કે તેમણે ગૃહ સચિવને આ મામમલે તત્કાળ અને ઉચિત કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે રાષ્ટ્રપતિને બંધારણીય સંકટમાં તત્કાળ હસ્તક્ષેપ કરવાની અપીલ કરતાં કેજરીવાલ સરકારની કાર્યપદ્ધતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. CM કેજરીવાલ ચાર મહિના કરતાં વધુ સમયથી જેલમાં છે અને કેજરીવાલે રાજીનામું આપવાથી ધરાર ઇનકાર કર્યો હતો. જેનાથી રાજ્યમાં વહીવટી વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે.મહત્ત્વના વહીવટી નિર્ણયો લેવામાં વિલંબ થઈ રહ્યો અને આવશ્યક સેવાઓ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે, જેને કારણ દિલ્હીની જનતાને પરિણામો ભોગવવાં પડી રહ્યાં છે, એમ તેમણે કહ્યું હતું.