સચિન પાઇલટનું દર્દ કોંગ્રેસની હારનું કારણ બનશે?

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં 25 નવેમ્બરે મતદાન થશે. ભાજપ-કોંગ્રેસ સહિત બધા પક્ષોએ ચૂંટણીપ્રચારના માધ્યમથી જનતા સુધી પહોંચવાના પ્રયાસ કર્યા છે, પરંતુ ત્રીજી ડિસેમ્બર નેતાઓનાં કામકાજ પર જનતાની આખરે મહોર લાગશે.  આમ છતાં અશોક ગહેલોત અને સચિન પાઇલટની વચ્ચે જે મતભેદો છે એ 2020માં જોવા મળ્યા હતા. એનું દર્દ સચિન પાઇલટને ખૂંચતું રહ્યું છે.

સચિન પાઇલટનું દર્દ સમયાંતરે બહાર આવતું રહ્યું છે. પાઇલટે ફરી એક વાર એ પળોને યાદ કરતાં કહ્યું હતું કે મારા વિસે ઘણુબધું કહેવામાં આવ્યું છે, આરોપ લગાડવામાં આવ્યા છે, પરંતુ મેં ક્યારેય ધીરજ નથી ખોવાના પ્રયાસ નથી કર્યા. મેં સંયમથી કામ કર્યું છે.

તેમણે કહ્યું હતું કે મેં હંમેશાં મર્યાદિત ભાષાનો પ્રયોગ કર્યો છે. મેં લોકતંત્રમાં જો વિરોધીઓની ટીકા કરી છે તો પણ સંયમિત ભાષાનો પ્રયોગ કર્યો છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે મતદાનની તારીખ આવતાં- આવતાં તેઓ વડા પ્રધાન મોદી અને અશોક ગહેલોતના –બંનેના લાડલા બની ગયા?  આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે જો કોઈ નેતાને લાડલા બનવું હોય તો તેણે પબ્લિકના લાડલા બનવું જોઈએ. લાડલા બનવા માટે કોઈ નેતાની જરૂર નથી.  ત્યાગ, તપસ્યા, સમપર્ણ, સેવા અને જનતાની વચ્ચે રહીને જે સંબંધ કાયમ રહે છે, એ મૂડી હોય છે અને હું એ દિશામાં કામ કરી રહ્યો છું, એમ તેમણે કહ્યું હતું.