મેઘના ગુલઝાર, વિકી કૌશલ, સાન્યા મલ્હોત્રા સુવર્ણ મંદિરની મુલાકાતે

આગામી હિન્દી ફિલ્મ ‘સામ બહાદુર’ની રિલીઝ પૂર્વે ફિલ્મની દિગ્દર્શિકા મેઘના ગુલઝાર એમનાં બે કલાકાર – વિકી કૌશલ અને સાન્યા મલ્હોત્રાની સાથે અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં દર્શન કરવા ગયાં હતાં અને ફિલ્મની સફળતા માટે ઈશ્વર પાસે આશીર્વાદ માગ્યાં હતાં.

ભારતના ભૂતપૂર્વ લશ્કરી વડા અને દેશના પહેલા ફિલ્ડ માર્શલ સામ માણેકશાના જીવન પર આધારિત ‘સામ બહાદુર’ ફિલ્મ આવતી 1 ડિસેમ્બરથી દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થવાની છે. બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદ કરાવવા માટે વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની સરકારની આગેવાની હેઠળ ભારતે 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યું હતું અને એમાં તેને હરાવ્યું હતું. તે યુદ્ધ વખતે ભારતીય સેનાના વડા સામ માણેકશા હતા.

‘સામ બહાદુર’માં વિકી કૌશલે સામ માણેકશાનો રોલ ભજવ્યો છે. ફાતિમા સના શેખ બની છે ઈન્દિરા ગાંધી, સાન્યા મલ્હોત્રાએ ભજવ્યો છે સામ માણેકશાના પત્ની સિલૂ માણેકશાનો રોલ જ્યારે મોહમ્મદ ઝીશન અય્યૂબ બન્યો છે પાકિસ્તાની લશ્કરી વડો યાહ્યા ખાન.