જયપુરઃ રાજસ્થાનમાં કોંગ્રેસની અંદર બધું સમુંસૂતરું નથી.એ અનેક વાર જાહેરમાં દેખાઈ ચૂક્યું છે. પ્રદેશના ભૂતપૂર્વ ઉપ મુખ્યપ્રધાન સચિન પાઇલટ સતત રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે અને તેમની જનસભામાં મોટી સંખ્યાઓમાં લોકો એકત્ર થઈ રહ્યા છે. સચિન પાઇલટનું કહેવું છે કે પેપર લીકના મોટા ગુનેગારો પર કાર્યવાહી થાય અને નેતૃત્વ પરિવર્તન પર ટોચનું નેતૃત્વ નિર્ણય લેશે.
સચિન પાઇલટે હાલમાં એક જનસભામાં કહ્યું હતું કે ભવિષ્યમાં શું થશે, એ મને નથી ખબર, પણ અમારી મૂડી જનતાનો પ્રેમ અને આશીર્વાદ છે. જે જનતાનો પ્રેમ અમારા માટે મહત્ત્વનો છે અને એનાથી વધુ શું થઈ શકે.
આવનારી વિધાનસભાની ચૂંટણી માટે સચિન પાઇલટે કહ્યું હતું કે અમે રાજસ્થાનમાં સરકાર બનાવીએ છીએ, પણ પાંચ વર્ષમાં સરકાર ચાલી જાય છે. બધા કોંગ્રેસી નેતાઓ મળીને સાથે આવવું જોઈએ. જનતાની વચ્ચે પહોંચવું જોઈએ, તો અમે ફરીથી સરકાર બનાવવામાં સફળ થઈશું.
સચિને મુખ્ય પ્રધાન અશોક ગહેલોત પર નિશાન સાધતાં પાર્ટીની આશંકાઓની પુષ્ટિ કરતાં નજરે ચઢ્યા. તેમણે કહ્યું હતું કે ક્યારેક પ્રશ્નપત્ર લીક થી જાય છે તો ક્યારેક પરીક્ષા રદ કરી દેવામાં આવે છે… આ બહુ દર્દનાક ને પરેશાન કરનારી બાબત છે. બાળકો અને તેમનાં માતાપિતા શિક્ષણ માટે કેટલી મુશ્કેલીઓ વેઠે છે. મને આશા છે કે સરકારે નાના-મોટા દલાલોને બદલે મોટી માછલીઓ પકડે તો સારું, એમ તેમણે કહ્યું હતું.