નવી દિલ્હીઃ રાજ્યસભાની 12 સીટો માટે ત્રીજી સપ્ટેમ્બરે પેટા ચૂંટણી થવાની છે. એમાં આસામ, બિહાર અને મહારાષ્ટ્રની 2-2 સીટો પર, જ્યારે મધ્ય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ત્રિપુરા, ઓડિશા અને તેલંગાણાની 1-1 સીટો પર મતદાન થશે. 12 સીટોમાંથી માત્ર તેલંગાણાને છોડીને બાકીની બધી 11 સીટો ભાજપ ને NDAના સહયોગીઓના ખાતામાં આવવાની સંભાવના છે.
આ 12 સીટોમાંથી 11 સીટો ભાજપ કે તેના સહયોગીને ફાળે જશે તો સંસદના ઉપલા ગૃહમાં તસવીર બદલાઈ જશે. ભાજપના સભ્યોની સંખ્યા 100ની નજીક પહોંચશે, જ્યારે NDA બહુમતીના આંકડાથી આગળ નીકળી જશે.
રાજ્યસભામાં હાલ 20 સીટો ખાલી છે. સભ્યોની સંખ્યા 225 છે. બહુમતનો આંકડો 113 છે. આવામાં ભાજપની પાસે 87 સાંસદ છે, NDAની પાસે 101 સાંસદ છે. NDAએ છ નામાંકિત અને એક અપક્ષ સાંસદનું સમર્થન હાંસલ છે. સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં 50 ટકાથી વધુ સાંસદ ભાજપના છે. બીજા ક્રમે કોંગ્રેસ છે અને એની પાસે 39 સાંસદ છે. આ બંને પક્ષો સિવાય TMCના 17 સાંસદ, આપ અને DMKની પાસે 10-10 સાંસદ છે.
રાજ્યસભાની પેટા ચૂંટણી પછી ભાજપની સંખ્યા વધીને 97 અને NDAની સંખ્યા 112એ પહોંચવાની ધારણે છે. નામાંકિત અને અપક્ષ મળીને NDAની પાસે 119ની સંખ્યા હશે. પેટા ચૂંટણી પછી રાજ્યસભામાં બહુમતનો આંકડો 117 હશે. આ રીતે NDAની પાસે પેટા ચૂંટણી પછી બહુમતી હશે.
રાજ્યસભાની પેટા ચૂંટણી બાદ સંસદમાં ભાજપની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) વધુ મજબૂત થવાની, જ્યારે ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસની તાકાત ઘટવાની શક્યતા છે.