વાસ્તુ: દિવાળીની સફાઈ માટેના કોઈ વાસ્તુ નિયમો હોય ખરા?

માનવીનો અવતાર આનંદમય જીવન જીવવા માટે છે. આનંદ અને મોજશોખ એ અલગ વિષય છે. આજે જયારે સત્સંગ જેવા વિષયને પણ લોકો વ્યસનની પ્રક્રિયા સાથે જોડી રહ્યા હોય ત્યારે પરમ આનંદ સમજાવવાનું લગભગ અશક્ય છે. માણસ એટલે સહનશક્તિનું પ્રતિક એ વિષય ખબર નહિ ક્યાંથી આવ્યો છે. જો દુખ સહન કરીને જ જીવવાનું હોય તો પછી અન્ય જીવ અને માણસ વચ્ચે ફર્ક શું હોઈ શકે? જે જીવ નિર્ણય લઇ શકે છે. જે પોતાના વિકાસ માટે કાર્ય કરી શકે છે તે માત્ર સહન કર્યા કરે એ વાત મૂળભૂત રીતે જ ખોટી લાગે છે. આંનંદ એ આંતરિક ભાવના છે. જયારે એની સમજણ મળે ત્યારે વ્યક્તિ સુખી થઇ શકે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: દિવાળીની સફાઈ માટેના કોઈ વાસ્તુ નિયમો હોય ખરા?

જવાબ: જી. દિવાળીની સફાઈ પાછળના કારણો આપણે ઘણી વાર ચર્ચ્યા છે. તેથી આજે નિયમોની જ વાત કરીએ. સફાઈની શરૂઆત ઈશાનથી કરવી જોઈએ. સામાન્ય રીતે આપણે એક જગ્યાએથી વસ્તુઓ ખસેડીને ત્યાં પછી મૂકી દઈએ છીએ. આ ખોટી રીત છે. કોઈ પણ વસ્તુને એની જગ્યાએથી ખસેડ્યા બાદ એની પુરતી સફાઈ જરૂરી છે. આ ઉપરાંત એ વસ્તુ વાસ્તુ નિયમ મુજબ ત્યાં મુકાય કે નહિ તેના માટે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

ઘરમાં એવી વસ્તુઓ હોય કે જે લાંબા સમયથી ન વપરાઈ હોય એને ઘરમાંથી યોગ્ય જગ્યાએ જવા દેવી જોઈએ. દેવસ્થાનની આસપાસ કોઈ પણ વજન વાળી કે ઉંચી વસ્તુ ન રાખવી જોઈએ. ઘરમાં નૈરુત્ય તરફની સફાઈ છેલ્લે કરવી જોઈએ. પરંતુ વસ્તુઓ મુકવાનું નૈરુત્ય દિશાથી શરુ કરવું હિતાવહ છે. આ સફાઈ કરતી વખતે ઘરની દીવાલો ન ધોવાય. એનાથી ઘરમાં બરકત ઘટે છે. ઘરમાં ફર્શ ધોવાની થાય તો તે નૈરુત્યથી ઇશાન તરફ ધોઈ શકાય.

ઘરની સફાઈ પોતાના કાયમના માણસો અથવાતો ઘરની વ્યક્તિઓએ જ કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ અચાનક સફાઈ કરે તો તેની નકારાત્મક ઉર્જાની અસર ઘરની ઉર્જાને નુકશાન કરી શકે છે. દિવાળીની સફાઈ કરતી વખતે કેમિકલ વધારે હોય એવા દ્રવ્યોનો ઉપયોગ ટાળવો જોઈએ.

ગુરુવારે દિવાળી માટેની ઘરની સફાઈ ન કરાય. ઘર ધોતી વખતે જો પાણી ઘરની બહાર ઉડે તો તે ઘરની આર્થિક વ્યવસ્થાને નુકશાન કરે છે.

સવાલ: અમે વરસોથી તમારા લેખ વાંચ્યા છે, તમારા દરેક ટીવી કાર્યક્રમો પણ જોયા છે અને તમારા રેડીઓ શો પણ સાંભળ્યા છે. અમને તમે કાયમ એક ગુરુતુલ્ય વ્યક્તિ લાગ્યા છો. કોઈ આડંબર નહિ અને કોઈ દેખાડો નહિ. તમે કાયમ સીધી વાત જ કરો છો. એક સવાલ અમને સતાવી રહ્યો છે કે જો દુનિયાની ઈકોનોમી ખરાબ હોય, વિશ્વયુદ્ધ થવાની વાતો ચાલતી હોય અને માર્કેટમાં પૈસાના લીધે તકલીફ હોય તો લોકો નવરાત્રી, દિવાળીની ખરીદી અને મોજશોખ પાછળ ધુમાડા કેમ કરે છે? ઉત્તર ભારતમાં વાદળો ફાટે છે, રસ્તાઓ ધોવાઈ જાય છે તો પણ લોકો જાત્રાના નામે ફરવા જાય છે. શું આ બધું રોકી ન શકાય? કે પછી આ સમાચારો માત્ર ડરાવવા માટે જ હોય છે?

જવાબ: કોવીડ પછી માણસને કુદરતનો પણ ડર નથી રહ્યો. જે છે તે વાપરી નાખવાનો વિચાર વધી રહ્યો છે. વળી નવી પેઢી દિશાહીન બની રહી છે. સમગ્ર વિશ્વમાં સ્થિતિ કાબુમાં નથી એ એક હકીકત છે અને લોકો નફિકરા થયા છે અથવાતો માત્ર મોજશોખ કરવા ઈચ્છે છે એ બીજી હકીકત છે. રોજબરોજની ઘટનાઓ અંગે કદાચ એમની સહિષ્ણુતા જતી રહી છે. પણ જો ભવિષ્યનો વિચાર નહિ કર્યો હોય તો આવનાર સમય સાચેજ ખરાબ હશે એ પણ હકીકત છે. સમય સહુથી મુલ્યવાન છે. અને એનો વેડફાટ સતત થઇ રહ્યો છે. કોઈને એકબીજા માટે સમય નથી પણ ન કરવાની બાબત માટે પુષ્કળ સમય છે. બધાજ ભાગી રહ્યા છે પણ કોઈ કશે પહોંચતું નથી.

આવા સમયે પોતાના ભવિષ્યનો વિચાર ચોક્કસ કરવો જોઈએ. કોઈ દેવસ્થાનમાં વિચાર્યા વિના દાન કરવા કરતા કે યાત્રાઓ કરવા કરતા પોતાની પેઢી માટે બચત કરવી જોઈએ. પ્રલોભનોમાં ન જ આવવું જોઈએ.

સુચન: સુપાત્રને દાન જરૂરી છે. આપણા પૈસાનો કોઈ અન્ય પણ દુરુપયોગ કરે તો એ આપણી ઉર્જા ઓછી કરે છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)