શિમલાઃ હિમાચલ પ્રદેશ રાજ્યમાં આજે પણ મધ્યમથી લઈને ભારે પ્રમાણમાં હિમવર્ષા થઈ છે. એને કારણે 400થી વધારે રસ્તાઓને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. પર્યટકોને આ વિશે સતત ચેતવણી આપવામાં આવી રહી છે.
રાજ્યમાં સૌથી વધારે હિમવર્ષા ટૂરિસ્ટ રિસોર્ટ કુફરીમાં થઈ છે – 55 સે.મી. ડેલહાઉસીમાં 30 સે.મી., કલ્પામાં 21.6 સે.મી., શિમલામાં 15 સેમી. અને મનાલીમાં 2 સે.મી. બરફ પડ્યો છે. રાજ્યના પાટનગર શિમલામાં લઘુત્તમ તાપમાન માઈનસ 0.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી છે કે સોમવાર સુધી રાજ્યમાં મધ્યમથી ભારે પ્રમાણમાં હિમવર્ષા થઈ શકે છે. સોલાન, કાંગડા, બિલાસપુર, હમીરપુર, ઉના જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા થઈ શકે છે. લાહૌલ અને સ્પિટી જિલ્લામાં સૌથી વધારે રસ્તાઓ બરફના થરને કારણે બંધ થઈ ગયા છે. ત્યારબાદ ચમ્બા, કિન્નૌર, શિમલા, મંડી, કુલુ અને સિરમૌર જિલ્લાઓનો નંબર આવે છે.