મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યૂ; મુંબઈમાં હાલ વીકએન્ડ-લોકડાઉન નહીં

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ વધી ગયા છે ત્યારે મુંબઈનાં મેયર કિશોરીતાઈ પેડણેકરે જણાવ્યું છે છે કે હાલને તબક્કે મુંબઈમાં સપ્તાહાંત લોકડાઉન લાગુ કરવામાં નહીં આવે. બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) ખાતેના જમ્બો કોવિડ-19 સેન્ટરમાં 2,500 પથારીઓ ઉપલબ્ધ છે. તેમજ આ કેન્દ્ર ખાતે હજી સુધી કોઈ દર્દીને આઈસીયૂમાં દાખલ કરવા પડ્યા નથી. મોટા ભાગનાં દર્દીઓ એસિમ્પ્ટોમેટિક છે. તેથી હાલને તબક્કે શહેરમાં વીકએન્ડ લોકડાઉન લાદવામાં નહીં આવે.

મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યૂ

દરમિયાન, મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 41,434 કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા વધીને 1,73,238 થઈ છે. મુંબઈ શહેરમાં નવા 20,318 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 10 જાન્યુઆરીથી રાતે 11થી સવારે પાંચ વાગ્યા સુધી રાત્રી-કર્ફ્યૂ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. નવી કોરોના ગાઈડલાઈન્સ અનુસાર, આવશ્યક સેવાઓને બાદ કરતાં બીજી કોઈ પણ સેવા કે પ્રવૃત્તિઓને રાતે 11થી સવારે પાંચ વાગ્યા વચ્ચેના સમયમાં મંજૂરી અપાશે નહીં. આવશ્યક સેવાઓને બાદ કરતાં આમ જનતાને આ સમય દરમિયાન અવરજવર કરવા દેવામાં આવશે નહીં. ઓફિસના વડાની પરવાનગી સિવાય કોઈ પણ મુલાકાતીઓને સરકારી કચેરીઓમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. સરકારી કચેરીઓએ વર્ક-ફ્રોમ-હોમ નિયમ અપનાવવો પડશે અને કામકાજ ઓફિસમાંથી જ કરવું જરૂરી હોય તો કર્મચારીઓને અલગ-અલગ સમયે બોલાવવાના રહેશે.