કેવું છે મહારાષ્ટ્ર અને હરિયાણાનું રાજકીય ગણિત: જાણો, ખાસ વાતો

નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ભાજપ અને તેની સહયોગી પાર્ટીઓ બંન્ને રાજ્યોમાં સત્તા જાળવી રાખવા માટે પ્રયત્નો કરી રહી છે, જ્યારે વિપક્ષી દળો સત્તા વિરોધી લહેરનો ફાયદો ઉઠાવીને સત્તા પોતાના પક્ષમાં કરવાના ફિરાકમાં છે. આ આ બંન્ને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની સાથે સાથે 51 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠકો માટે પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય હરિફાઈ ભાજપની આગેવાની વાળા મહાગંઠબંધન ‘મહાયુતિ’ અને કોંગ્રેસ એનસીપી ગંઠબંધન એટલે કે, ‘મહા અઘાડી’(મોર્ચા) વચ્ચે છે. આ ચૂંટણીમાં 4,28,43,635 મહિલા મતદાતાઓ સહિત કુલ 8,98,39,600 મતદારો છે.

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો માટે 235 મહિલા સહિત 3237 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મતદાન માટે 96,661 મતદાન કેન્દ્રો છે જ્યા 6.50 લાખ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં છે. આ રીતે હરિયાણમાં પણ સત્તાધારી પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય સ્પર્ધા જોવા મળી રહી છે. બંન્ને રાજ્યમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચે પણ કમર કસી છે. આવો જાણીએ આ ચૂંટણી સાથે જોડાયેલી ખાસ વાતો…..

મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકો માટે 235 મહિલાઓ સહિત કુલ 3237 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન માટે 96,661 મતદાન કેન્દ્રો છે. મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં સતત બીજા કાર્યકાળ માટેની તૈયારીઓ ચાલી રહી છે.

મહારાષ્ટ્રમાં ભાજપ 164 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે, જેમાં તેના કમળના નિશાન પર ચૂંટણી લડનારા નાના સહયોગી દળોના ઉમેદવારો સામેલ છે. તો આ તરફ શિવસેનાએ 126 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. તો કોંગ્રેસે 147 અને સહયોગી રાકાંપાએ 121 બેઠકો પર તેમના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

અન્ય દળોમાં, રાજ ઠાકરેના નેતૃત્વ વાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ 101 ઉમેદવારો, ભાકપાએ 16, માકપાએ 8 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. બસપાએ 262 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત 1400 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં છે.

મુખ્ય ઉમેદવારોમાં મુખ્યમંત્રી ફડણવીસ અને કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણનો સમાવેશ થાય છે. તો કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણ સતારા જિલ્લાના કરાદ દક્ષિણથી ચૂંટણી મેદાનમાં છે. ઉદ્વવ ઠાકરેનો નાનો પુત્ર અને યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરે મુંબઈની વરલી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના લગભગ 1.82 કરોડ મતદાતા 1169 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. ચૂંટણી પંચા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર હરિયાણમાં કુલ 1,82,82,570 મતદાતાઓ છે. જેમાંથી 97.7 લાખ પુરૂષ અને 85 લાખ મહિલા મતદારો ઉપરાંત 724 એનઆરઆઈ, અને 1.07 લાખ સર્વિસ વોટર સામેલ છે. રાજ્યની 90 વિધાનસભા બેઠકો માટે કુલ 1169 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં 1064 પુરુષ, 104 મહિલાઓ અને એક ટ્રાન્સજેન્ટ ઉમેદવાલ સામેલ છે.

સૌથી વધુ 25 ઉમેદવારો હાંસી બેઠક પર છે અને સૌથી ઓછા 6 ઉમેદવારો અંબાલા કેન્ટ અને શાહબાદ (સુરક્ષિત) બેઠક પર છે. રાજ્યના રાજકીય સમીકરણની વાત કરીએ તો, સત્તાધારી પાર્ટી ભાજપની સીધી સ્પર્ધા વિપક્ષી કોંગ્રેસ અને નવી પાર્ટી જેજેપી સાથે છે. હરિયાણમાં કોંગ્રેસને સત્તા પર પરત ફરવાની આશા છે.

મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં ભાજપએ 90માંથી 75 બેઠકો પર જીત મેળવવાનો ટાર્ગેટ રાખ્યો છે. ચૂંટણી લડી રહેલા મુખ્ય ઉમેદવારોમાં ખટ્ટર (કરનાલ), પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા (ગઢી સાંપલા કિલોઈ), રણદીપ સિંહ સુરજેવાલા (કૈથલ), કિરણ ચૌધરી (તોશામ) અને કુલદીપ વિશ્નોઈ (આદમપુર) તેમજ જેજેપીના દુષ્યંત ચૌટાલા (ઉચના કલાં) સામેલ છે.

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની સાથે સાથે આજે 17 રાજ્યોની 51 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. ભાજપ અને તેમની સહયોગી પાર્ટીઓ પાસે આમાંથી અંદાજે 30 બેઠકો છે, જ્યારે કોંગ્રેસે  12 બેઠકો જીતી હતી અને અન્ય ક્ષેત્રીય દળો પાસે ગઈ હતી.

ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં 11 બેઠકો, ગુજરાત 6 બેઠકો, બિહાર 5, અસમ 4, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુની 2 2 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. અન્ય રાજ્યો જ્યાં પેટાચૂંટણી યોજાશે તેમાં પંજાબની 4, કેરળની 5, સિક્કીમની 3, રાજસ્થાનની 2, અને અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તિસગઢ, પુડુચેરી, મેઘાલય અને તેલંગાણાની 1 1 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.