ડો. અબ્દુલ કલામની સ્મૃતિમાં ઈનોવેશન-ડે ઉજવાયો…

અમદાવાદઃ ભારતના મિસાઈલ મેન ગણાતા અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામના સ્મરણમાં તેમના જન્મ દિવસને “ઈનોવેશન ડે”તરીકે ઉજવવામાં આવે છે. ગણપત યૂનિવર્સિટી દ્વારા ગત અઠવાડિયે “ઈનોવેશન ડે”ઉજવવામાં આવ્યો હતો. આ ડેવલપિંગ ધી એન્ટરપ્રિન્યોરિયલ માઈન્ડ-સેટ ઈન યુથ નામના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વવિખ્યાત લાઈફકોચ અને પ્રખ્યાત વક્તા વિનોદ તિવારીએ એક્સપર્ટ તરીકે ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને માર્ગદર્શન આપ્યું હતું. આ આયોજનમાં ગણપત યુનિવર્સિટીના સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશીપ તેમજ ઈન્ક્યુબેશન સેન્ટર મુખ્ય સહભાગી રહ્યો હતો. અનેક બેસ્ટ સેલર બુક્સના સર્જક અને પ્રખર વક્તા વિનોદ તિવારીએ એમના પ્રેરણાદાયી વ્યાખ્યાનમાં કહ્યું કે લાઈફ ઈઝ રેસ- જીવનમાં દરેક વ્યક્તિએ દોડવાનું તો છે જ! આમ કરશું તો જ કશુંક પ્રાપ્ત થઈ શકશે, સફળતા મળશે.

વિનોદ તિવારીએ ધીરુભાઈ અંબાણી સહિત અનેક લોકો અને ફેસબુક જેવી કંપનીના સફળતાના દ્રષ્ટાંતો ટાંકીને કહ્યું કે તમારી પાસે મોટું સ્વપ્ન હોય તો તમે કંઈ પણ બની શકો છો અને કંઈપણ પામી શકો છો. જગતનો નિયમ છે કે લોકો જેના સ્વપ્નો પર હસે છે તેમણે જ કંઈક સિદ્ધ કરી બતાવ્યું છે. જેમના પર લોકો હસતા નહી હોય તો સમજી લો કે તેઓ કશું જ કરી નથી શકતા. તેમણે એમપણ કહ્યું કે દુનિયા તમારા વિશે શું માને છે તેનાથી કોઈ જ ફેર પડતો નથી, પરંતુ તમે તમારા માટે શું વિચારો છો તેનું મહત્વ છે. પોતાની જાતમાં જ વિશ્વાસ ન હોવો, મહત્વકાંક્ષા ન હોવી અને નિષ્ફળતાનો ભય હોવો એ માણસને જીવનના ધ્યેયને પામવામાં બાધારુપ બને છે. વિનોદ તિવારીએ પોઝિટિવ એટિટ્યૂડનો પણ ઉંચો મહિમા આંક્યો હતો. સેશનના અંતે પ્રશ્નોત્તરી થઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]