વિધાનસભા ચૂંટણી: મહારાષ્ટ્રમાં 55.35%, હરિયાણામાં 61.62% લોકોએ મતાધિકાર હાંસલ કર્યો

મુંબઈ – મહારાષ્ટ્રમાં 288 અને હરિયાણામાં 90 બેઠકોવાળી વિધાનસભાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યે સમાપ્ત થયું હતું. મહારાષ્ટ્રમાં સરેરાશ 55.35 ટકા મતદાન થયું છે, તો હરિયાણામાં 61.62 ટકા મતદાન થયાનું નોંધાયું છે.

મુંબઈ શહેરમાં 44.40 ટકા મતદાન થયું છે, તો મુંબઈના ઉપનગરોમાં 46.92 ટકા લોકોએ મતાધિકાર પ્રાપ્ત કર્યો હતો. મુંબઈમાં સૌથી વધારે ભાંડુપ (વેસ્ટ) ઉપનગરમાં મતદાન થયું – 53.04 ટકા. તો સૌથી ઓછું મતદાન દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં થયું – 37.43 ટકા.

મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધારે મતદાન કોલ્હાપુરમાં થયું – 69.04 ટકા. રાજ્યના શિયાળુ પાટનગર નાગપુરમાં 54.24 ટકા અને પુણેમાં 52.80 ટકા મતદાન થયું.

પાટનગર મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં સવારના સત્રમાં મતદાનનું પ્રમાણ ધીમું હતું, પણ બાદમાં બપોરે અને સાંજે ટકાવારી વધી હતી. મતદાન માટે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં સલામતીનો અત્યંત કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં, આજે સવારે વહેલા જઈને મતદાન કરનાર જાણીતી હસ્તીઓમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી (નાગપુર), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંસ્થાના પ્રમુખ મોહન ભાગવત (નાગપુર મધ્ય), રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર (બારામતી), મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર જુલિયો રીબેરો (વરલી-મુંબઈ)નો સમાવેશ થાય છે.

શાસક ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની યુતિ સામે વિપક્ષનો પડકાર ફેંકવામાં આગેવાની લેનાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે મુંબઈમાં એમના દોહિત્રી રેવતી સુળે અને જમાઈ સદાનંદ સાથે મતદાન કર્યું હતું.

ગયા મે મહિનામાં લોકસભા ચૂંટણીમાં બહુમતી સાથે વિજય મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી માટે આ બંને રાજ્યની વિધાનસભાની ચૂંટણી જીતવાનો પડકાર છે.

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર જુલિયો રીબેરોએ (ડાબે) વરલી વિસ્તારમાં મતદાન કર્યું. અભિનેત્રી શોભા ખોટેએ અંધેરી (વેસ્ટ) મતવિસ્તારમાં પોલિંગ બૂથમાં જઈને મતદાન કર્યું.

બંને રાજ્યમાં મતગણતરી 24 ઓક્ટોબરે કરાશે અને એ જ દિવસે બપોર સુધીમાં પરિણામ જાહેર થઈ જશે.

હરિયાણામાં હાલ ભાજપનું શાસન છે. ત્યાં કુલ 1,169 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. જેમાં 1,064 પુરુષો છે અને 104 મહિલાઓ છે. આ મહિલાઓમાં કુસ્તીબાજ બબિતા ફોગાટનો પણ સમાવેશ થાય છે, જે ચરખી દાદ્રી બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે.

મહારાષ્ટ્રમાં, શાસક ભારતીય જનતા પાર્ટી-શિવસેના જોડાણ સતત બીજી મુદતમાં સત્તા મેળવવા કૃતનિશ્ચયી છે. તો સામે બાજુએ, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું જોડાણ ફરી સત્તા કબજે કરવા પ્રયત્નશીલ છે.

મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે ચૂંટણી છે. સમગ્ર રાજ્યમાં એ માટે વિવિધ રાજકીય પક્ષોના 3,237 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યાં છે.

49 વર્ષીય મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સતત બીજી વાર સત્તા મેળવનાર પ્રથમ બિન-કોંગ્રેસી સરકારના વડા બનીને ઈતિહાસ રચવાને આરે છે.

ફડણવીસ નાગપુર સાઉથ-વેસ્ટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યાં એમની સામે કોંગ્રેસે ઊભા રાખ્યા છે આશિષ દેશમુખને. તે ઉપરાંત સાત અપક્ષ સહિત બીજા 18 ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે.

ભાજપના નેતાઓને વિશ્વાસ છે કે ફડણવીસ આસાનીથી જીતી જશે અને એ જ ફરી મુખ્ય પ્રધાન પણ બનશે.

રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ (કોંગ્રેસ) કરાડ સાઉથ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યાં એમનો મુકાબલો કરી રહ્યા છે ભાજપના અતુલબાબા ભોસલે.

એક અન્ય ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસી નેતા અશોક ચવ્હાણ ભોકર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યાં એમને પડકાર ફેંક્યો છે ભાજપના શ્રીનિવાસ ઉર્ફે બાપુસાહેબ દેશમુખે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ધુરંધર અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત અનંતરાવ પવાર એમના પરિવારના ગઢ ગણાતા બારામતીમાંથી ચૂંટણી લડી રહ્યા છે. એમનો સામનો કરી રહ્યા છે ભાજપના ગોપીચંદ કુંડલિક પડલકર.

મહારાષ્ટ્રના અન્ય ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના નેતા છગન ભુજબળ ચૂંટણી લડી રહ્યા છે એમના ગઢ સમાન યેવલા મતવિસ્તારમાંથી. ત્યાં એમની સામે ઊભા છે શિવસેનાના સંભાજી પવાર.

રાજ્યનાં મહિલા પ્રધાન અને ભાજપના નેતા પંકજા મુંડે પાર્લી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. ત્યાં એમનાં નિકટનાં હરીફ છે એમનાં પિતરાઈ ભાઈ ધનંજય મુંડે, જે એનસીપીના ઉમેદવાર છે.

ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કોથરુડમાંથી ચૂંટણી લડી રહ્યા છે જ્યાં એમના મુખ્ય હરીફ છે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા અને લોયર કિશોર શિંદે.

મહારાષ્ટ્ર કોંગ્રેસ એકમના પ્રમુખ વિજય ઉર્ફે બાળાસાહેબ થોરાત સંગમનેરમાંથી ચૂંટણી લડી રહ્યા છે જ્યાં એમના મુખ્ય હરીફ છે શિવસેનાનાં સાહેબરાવ નવાળે.

મુંબઈમાં રસપ્રદ ટક્કર

દેશના વ્યાપારી પાટનગર મુંબઈમાં અમુક બેઠકો પર રોમાંચક મુકાબલો છે. ભાજપના મુંબઈ એકમના પ્રમુખ મંગલ પ્રભાત લોઢા મલબાર હિલ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યાં એમના મુકાબલે ઉતર્યા છે કોંગ્રેસના હિરા દેવસી.

એનસીપીના વરિષ્ઠ નેતા નવાબ મલિક અણુશક્તિ નગર બેઠક પરથી ચૂંટણી લડે છે જ્યાં એમને પડકાર ફેંક્યો છે શિવસેનાના તુકારામ કાટેએ.

મુંબઈના મેયર અને શિવસેનાના ઉમેદવાર વિશ્વનાથ મહાડેશ્વર સામે મેદાનમાં ઉતર્યાં છે શિવસેનાનાં બળવાખોર નેતા અને વિધાનસભ્ય તૃપ્તિ સાવંત. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તૃપ્તિ સાવંતની પક્ષમાંથી હકાલપટ્ટી કરી દીધી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારના ભત્રિજા પુત્ર રોહિત પવાર કર્જત-જામખેડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

શિવસેના યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરેએ વરલી મતવિસ્તારમાંથી ઝુકાવ્યું છે. ઠાકરે પરિવારમાંથી આ પહેલી જ વાર કોઈ સભ્ય ચૂંટણી લડી રહ્યા છે.

મુંબઈની પડોશના પાલઘર જિલ્લાના નાલાસોપારામાં શિવસેનાના ઉમેદવાર અને ભૂતપૂર્વ પોલીસ અધિકારી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા સામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે વર્તમાન વિધાનસભ્ય અને બહુજન વિકાસ આઘાડીના ક્ષિતિજ હિતેન્દ્ર ઠાકુર.

ચૂંટણીના જંગમાં કુલ 3,237 ઉમેદવારો ઉતર્યા છે જેમાં 236 મહિલાઓ છે અને બાકીના 3,001 પુરુષો છે.

ભાજપે 164 ઉમેદવારો ઊભા રાખ્યા છે તો એના ભાગીદાર શિવસેનાએ 126, કોંગ્રેસે 147, એનસીપીએ 121, મનસે પાર્ટીએ 101, બહુજન સમાજ પાર્ટીએ 262, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ 16, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ 8 ઉમેદવારો ઊભા રાખ્યા છે. અન્ય રજિસ્ટર્ડ પાર્ટીઓના 604 અને 1,400 અપક્ષ ઉમેદવારો છે.

મહારાષ્ટ્રમાં કુલ 8 કરોડ 97 લાખ મતદારો છે. આમાં 4 કરોડ 68 લાખ પુરુષો છે અને 4 કરોડ 28 લાખ મહિલાઓ છે. 2,634 તૃતિય પંથીનાં લોકો છે.

ચૂંટણી પંચે સમગ્ર રાજ્યમાં 9,66,661 મતદાન મથકો ઊભા કર્યા છે. મતદાન માટે 1,35,021 VVPAT EVM મશીનોને ઉપયોગમાં લેવામાં આવ્યા હતા. જોકે 195 જેટલા ઈવીએમ મશીનો બગડી ગયા હતા. ઘણે ઠેકાણે વોટિંગ મશીનો બગડી જતાં મતદારો નારાજ થયા હતા, રોષે પણ ભરાયા હતા.

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી અને એમના પત્ની કંચન નાગપુર શહેરમાં મતદાન કર્યા બાદ એમની આંગળી પર શાહીનું નિશાન બતાવી રહ્યાં છે.

આરએસએસ પ્રમુખ મોહન ભાગવત

પહેલાં મતદાન, પછી લગ્ન

ટિકટોક સ્ટાર અને ભાજપનાં ઉમેદવાર સોનાલી ફોગાટે હરિયાણાના આદમપુર મતવિસ્તારમાં મતદાન કર્યું.

સોનાલી ફોગાટ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનાં સંસદસભ્ય સુપ્રિયા પવાર-સુળેએ બારામતીમાં મતદાન કર્યું

ઓલિમ્પિક મેડલવિજેતા યોગેશ્વર દત્ત (ભાજપ ઉમેદવાર)એ હરિયાણાના બરોડામાં મતદાન કર્યું

હરિયાણાના ચારખી દાદ્રી બેઠક પર ભાજપનાં ઉમેદવાર કુસ્તીબાજ બબિતા ફોગાટે બલાલી ગામમાં મતદાન કર્યું

કુસ્તીબાજ બબિતા ફોગાટે બલાલી ગામમાં માતા, પિતા, બહેન ગીતા ફોગાટ સાથે મતદાન કર્યું