મુંબઈઃ દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં આવેલી લક્ઝરિયસ ‘ટ્રાઈડેન્ટ હોટેલ’ ઈમારતના ટોપ ફ્લોર પરથી આજે સવારે લગભગ 7 વાગ્યે કાળા ધૂમાડા નીકળતા દેખાયા હતા. એની તસવીરો અને વિડિયો ક્લિપ્સ ઈન્ટરનેટ પર ફરી હતી. એને કારણે એવી વાતો ફેલાઈ હતી કે ફાઈવ સ્ટાર હોટેલમાં આગ લાગી છે. બાદમાં મુંબઈ મહાનગરપાલિકા, મુંબઈ પોલીસ અને અગ્નિશમન દળના સત્તાવાળાઓએ જણાવ્યું કે ટ્રાઈડેન્ટ હોટેલમાં આગનો કોઈ બનાવ બન્યો નહોતો. હોટેલના બોઈલર રૂમમાંથી ધૂમાડો આવતો દેખાયો હતો.
મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગે કહ્યું કે તે એક રેગ્યૂલર જાળવણી ડ્રિલ હતી, જે વખતે હોટેલની ચીમનીમાંથી અમુક ધૂમાડો નીકળ્યો હતો અને એવું સમજી લેવામાં આવ્યું હતું કે આગ લાગી છે. અમે પણ અમારા જવાનોની ટીમને ત્યાં મોકલી હતી, પરંતુ આગ જેવો કોઈ બનાવ બન્યો નહોતો.
આગની જાણકારી મળતાં અગ્નિશામક દળના જવાનો અને પોલીસો તરત જ ત્યાં પહોંચી ગયા હતા. ‘ટ્રાઈડેન્ટ હોટેલ’ માત્ર મુંબઈ જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં જાણીતી થઈ છે. 2008ની 26 નવેમ્બરે મુંબઈમાં કરવામાં આવેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાઓમાં ‘ટ્રાઈડેન્ટ હોટેલ’ને પણ ટાર્ગેટ બનાવવામાં આવી હતી.