મુંબઈઃ મહારાષ્ટ્રના સાતારા જિલ્લાનાં નિવાસી સુરેખા યાદવ ભારતનાં જ નહીં, પરંતુ સમગ્ર એશિયા ખંડમાં પ્રથમ ‘Loco પાઈલટ’ બન્યાં છે. એમણે ગઈ કાલે સોલાપૂરથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) સુધી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેન ચલાવી હતી.
સેમી હાઈ-સ્પીડ અને અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ એવી વંદે ભારત ટ્રેનને સફળતાપૂર્વક ચલાવવાની આ યશસ્વી કામગીરી બજાવવા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ સીએસએમટી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 8 પર સુરેખા યાદવનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ટ્રેન 16-કોચની છે. તે સોલાપૂર-મુંબઈ સીએસએમટી વચ્ચે ચાર સ્ટોપ કરે છે. ટ્રેનમાં એરલાઈન પ્રકારની સીટિંગ વ્યવસ્થા છે અને પ્રવાસીઓ માટે રોટેટેબલ સીટ છે. આ ટ્રેન 6 કલાક અને 30 મિનિટમાં 452 કિલોમીટરનું અંતર પૂરું કરે છે.
એ પ્રસંગે સુરેખાએ કહ્યું કે, ‘આજના ટેક્નોલોજીના યુગમાં વંદે ભારત ટ્રેનને પાઈલટ કરવાની કામગીરી મને સોંપવા બદલ હું વહીવટીતંત્રની આભારી છું. ટ્રેન યોગ્ય સમયે સોલાપૂરથી રવાના કરાઈ હતી અને નિશ્ચિત સમય કરતાં પાંચ મિનિટ વહેલી એ સીએસએમટી સ્ટેશન સુધી પહોંચી હતી. ટ્રેન ચલાવતાં શીખવાની પ્રક્રિયામાં સિગ્નલ જોવાનાં, નવા ઉપકરણોનો ઉપયોગ કરવાનો, અન્ય ક્રૂ સભ્યો સાથે સમન્વય જાળવવાનો – આવા તમામ માપદંડોનું બરાબર પાલન કરવું પડે છે.’
મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ સુરેખા યાદવને અભિનંદન આપ્યાં હતાં અને તેમની સિદ્ધિને ભારતીય રેલવે માટે ગૌરવપૂર્ણ બાબત તરીકે ઓળખાવી હતી. રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને મધ્ય રેલવેએ ટ્વિટરના માધ્યમથી સુરેખા યાદવની સિદ્ધિને બિરદાવી છે.
સુરેખા યાદવ 1988માં ભારતનાં પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર બન્યાં હતાં. એમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક પુરસ્કાર જીત્યાં છે. મધ્ય રેલવેમાં જોડાતાં પહેલાં એમણે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હાંસલ કર્યો હતો. ડ્રાઈવર તરીકે વંદે ભારત માટે એમને તૈનાત કરવામાં આવ્યાં એ પહેલાં તેમણે ગયા ફેબ્રુઆરી મહિનામાં વડોદરામાં રેલવે ઈન્સ્ટિટ્યૂટ ખાતે વિશેષ તાલીમ પૂરી કરી હતી. સુરેખા યાદવ આજે મધ્ય રેલવેનાં સૌથી કુશળ ટ્રેન ડ્રાઈવર છે, પરંતુ એમણે ક્યારેય કાર કે ટુ-વ્હીલર વાહનો ચલાવ્યાં નથી એની ખાસ નોંધ લેવી ઘટે. એ વિશે એમણે કહ્યું કે મારે એવા વાહનો ચલાવવાની આજ સુધી ક્યારેય જરૂર જ પડી નથી.