નવી દિલ્હીઃ ભારત સરકાર યૂપીઆઈ (યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ) સેવાઓ પર કોઈ પ્રકારનો ચાર્જ લગાડવાની નથી. યૂપીઆઈ સોદાઓ પર કોઈક રકમનો સર્વિસ ચાર્જ લગાડવામાં આવે એવી સંભાવના છે એ પ્રકારના અમુક અહેવાલોને પગલે કેન્દ્રીય નાણાં મંત્રાલયે ઉપર મુજબની સ્પષ્ટતા કરી છે.
નાણાં મંત્રાલયે ટ્વિટરના માધ્યમથી આ સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે યૂપીઆઈ તમામ લોકો માટે મફત જ રહેશે. એની પર સર્વિસ ચાર્જ લગાડવાની સંભાવના દર્શાવતા અહેવાલો ખોટા છે. યૂપીઆઈ ડિજિટલ સાર્વજનિક માધ્યમ છે જે જનતા માટે તેમજ દેશના અર્થતંત્ર માટે ઉત્પાદક્તાના લાભ માટે ખૂબ જ સુવિધાજનક છે. સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને ખર્ચ વસૂલીને લગતી જે કંઈ ચિંતા છે એનો ઉકેલ કોઈ અન્ય માધ્યમો દ્વારા લાવવામાં આવશે. ડિજિટલ પેમેન્ટ્સ પદ્ધતિ-પ્રથાને ઉત્તેજન આપવાનું સરકાર ચાલુ જ રાખશે, કારણ કે આ પેમન્ટ પ્લેટફોર્મ્સ આર્થિક રીતે કિફાયતી છે અને યૂઝર-ફ્રેન્ડ્લી છે. ઉલ્લેખનીય છે કે, યૂપીઆઈ સોદાઓની સંખ્યા 6 અબજ પર પહોંચી ગયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા જુલાઈમાં યૂપીઆઈ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. કોરોનાવાઈરસ રોગચાળા દરમિયાન ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ દેશભરમાં તમામ લોકોને ખૂબ મદદરૂપ બની હતી.
(તસવીર સૌજન્યઃ https://bit.ly/3dMEwX4)