હૃતિક રોશનવાળી જાહેરખબર બદલ ઝોમેટોએ માફી માગી

મુંબઈઃ બોલીવુડ અભિનેતા હૃતિક રોશનને ચમકાવતી એક નવી જાહેરખબર ‘મહાકાલ થાલી’ની ટીકા થતાં ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ લોકોની લાગણી દુભાઈ તે બદલ માફી માગી છે. એ જાહેખબરમાં હૃતિક રોશન એવું બોલે છે કે એને ભૂખ લાગી હતી અને થાળી ખાવાનું મન થતાં એણે ‘મહાકાલ’ને ઓર્ડર આપ્યો હતો. મંદિરના પૂજારી મહેશ શર્માએ કહ્યું કે, ‘મહાકાલ મંદિર કોઈ પણ થાળી ડિલિવર કરતું નથી. ઝોમેટો અને હૃતિક રોશને આ એડ માટે માફી માગવી જ જોઈએ. ઝોમેટો કંપનીએ મહાકાલ મંદિર વિશે લોકોને ગેરમાર્ગે દોરે એવી પબ્લિસિટી કરી છે. આવી જાહેરખબર રિલીઝ કરતા પહેલાં કંપનીએ વિચારવું જોઈતું હતું. આ જાહેરખબરે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે. મંદિરમાં એક જ થાળી પર ભક્તોને પ્રસાદ પીરસવામાં આવે છે. ઝોમેટોની એડ ભ્રમ ફેલાવે છે કે મંદિર પ્રસાદના રૂપમાં મફતમાં ભોજન પીરસે છે.’

ઉજ્જૈન શહેરના શ્રી મહાકાળેશ્વર મંદિરના પૂજારીઓ અને ભક્તો તે જાહેરખબરથી ખૂબ ગુસ્સે ભરાયા હતા અને ઝોમેટો એ જાહેરખબર તત્કાળ પાછી ખેંચે અને માફી માગે એવી માગણી કરી હતી. ઉજ્જૈનમાં ભગવાન શંકરનું મહાકાલ મંદિર 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. જે દેશભરમાંથી ભક્તોને દર્શન કરવા માટે આકર્ષિત કરે છે.