શંકરસિંહ વાઘેલાએ નવો પક્ષ બનાવ્યોઃપ્રજાશક્તિ લોકતાંત્રિક પાર્ટી

અમદાવાદઃ ગુજરાતના પીઢ નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ આજે એમના નવા પક્ષની રચના કરી છે, જેનું નામ એમણે રાખ્યું છેઃ પ્રજાશક્તિ લોકતાંત્રિક પાર્ટી. આ પક્ષ ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી લડશે. વાઘેલાએ ચૂંટણી રાજકારણમાં પોતાના પુનઃ પ્રવેશની ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી અને જણાવ્યું કે, ‘લોકો ભાજપનો વિકલ્પ શોધી રહ્યા છે. મારે માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દરવાજા બંધ છે. તેથી મેં પ્રજાશક્તિ લોકતાંત્રિક પાર્ટીની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે. આ પાર્ટી દોઢ વર્ષ પહેલાં રજિસ્ટર્ડ થઈ હતી.’

વાઘેલાએ એમના ફેસબુક પેજ પર ગુજરાતની જનતા માટે અનેક વચનોની જાહેરાત પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે, વાઘેલા ભૂતકાળમાં ભાજપ સાથે 27 વર્ષ રહ્યા હતા. ત્યારબાદ એમણે રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી અને એમાં તેઓ બે વર્ષ સુધી રહ્યા હતા. ત્યારબાદ તેઓ 19 વર્ષ સુધી કોંગ્રેસ સાથે રહ્યા હતા. ત્યારબાદ બાદ એમણે જન વિકલ્પ મોરચા નામનો પક્ષ બનાવ્યો હતો, જે બે વર્ષ સુધી ચાલ્યો હતો. ત્યારબાદ તેઓ એક વર્ષ સુધી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા હતા.