સંસદમાં હોબાળાને કારણે મોદી સરકાર સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ કાલ પર ટળ્યો

નવી દિલ્હી- તેલુગુ દેશમ પાર્ટી TDP અને YSR કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જો કે હોબાળાને કારણે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકી નહતી. વિપક્ષોના હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી અને બાદમાં દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી પણ મંગળવાર સુધી સ્થગિત કરવામાં આવી છે.આ ઘટનાક્રમ વચ્ચે સંસદીય બાબતોના પ્રધાન અનંત કુમારે જણાવ્યું કે, ‘અમે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા માટે તૈયાર છીએ, અમને વિશ્વાસ છે અમારી પાસે પૂર્ણ બહુમત છે’. આ પહેલાં શુક્રવારે પણ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને સંસદના બન્ને ગૃહમાં હોબાળો થવાને કારણે કાર્યવાહી યોગ્ય રીતે થઈ શકી નહતી. તેલંગા રાષ્ટ્રસમિતિ (TRS), અન્નાદ્રુમક સહિત અનેક પક્ષોના સાંસદોએ સ્પીકરની બેઠક નજીક ધસી જઈ ભારે હોબાળો કર્યો હતો.

TDPએ પોતાના સાંસદો માટે વ્હિપ જારી કરી બજેટ સત્રના અંત સુધી સંસદમાં હાજર રહેવા જણાવ્યું છે. પાર્ટીના સાંસદ આર.એમ. નાયડૂએ કહ્યું કે, ‘અમે અવિશ્વાસ પ્રસ્તાવ માટે તમામ પાર્ટીઓનો સહયોગ લેવા જઈ રહ્યાં છીએ. હવે તમામ વિપક્ષોની જવાબદારી છે કે, તેઓ અમને સહયોગ આપે. અમે ચર્ચા માટે વધુમાં વધુ સમર્થન ઈચ્છીએ છીએ’.

મોદી સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ અંગે શિવસેનાના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે, ‘અમે આ અંગે કોઈ ઉતાવળ નહીં કરીએ, કેન્દ્ર સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવ અંગે સમર્થન કરવું અથવા વિરોધ કરવો તેનો અંતિમ નિર્ણય ઉદ્ધવ ઠાકરે કરશે’.