અમદાવાદ સહિત કેટલાક ઠેકાણે માવઠું, ખેડૂતો ચિંતાતુર

અમદાવાદ– રાજ્યના કેટલાક  વિસ્તારોમાં બેત્રણ દિવસથી સવારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે સિલસિલો આજેપણ ચાલુ રહ્યો હતો. વહેલી સવારમાં આજે વાદળોનો ઘટાટોપ જોવા મળ્યો હતો તો સાથે ક્યાંક ક્યાંક હળવાં છાંટા પણ પડ્યાં હતાં.સવારમાં ખાસ કરીને અમદાવાદ પશ્ચિમના વિસ્તારોમાં આવો અનુભવ થયો હતો. તો ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં  અને દક્ષિણ તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ માવઠાંનો અનુભવ થયો હતો.

ગત મોડી રાત્રે બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા અને મહેસાણામાં ઝાપટું પડ્યું હતું. ખેડૂતોના જીવ બદલાયેલાં હવામાનને લઇને અદ્ધર થઇ ગયાં છે કારણ કે પાણીની પારાયણ પણ છે અને ઊભેલાં પાકને બચાવવાની જહેમત પણ છે.ઘઉં, ડુંગળી, બટાટા,લસણ જેવા કેટલાક પાક તૈયાર થઇ ગયેલાં છે તેની લણણી કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં માવઠાંથી ભારે નુકસાન થઇ શકે છે.

અમદાવાદમાં આજે સવારે શિવરંજની, વસ્ત્રાપુર, શ્યામલ, રિવરફ્રન્ટ વિસ્તારમાં વાદળછાયાં વાતાવરણ સાથે છાંટા પડ્યાં હતાં.