નવી દિલ્હીઃ આજે આખો દિવસ સુનાવણી કર્યા બાદ પોતે ખરી શિવસેના પાર્ટી છે એવા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના દાવા અંગે ચૂંટણી પંચને નિર્ણય લેતા રોકવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો હતો.
ન્યાયમૂર્તિ ડી.વાઈ. ચંદ્રચૂડની આગેવાની હેઠળ પાંચ-ન્યાયાધીશોની બંધારણી બેન્ચે કહ્યું કે અસલ શિવસેના પાર્ટી કોની છે તે અંગે તેમજ પક્ષના તીરકામઠાના ચૂંટણી પ્રતિક અંગે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે શિવસેના પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ અંગે ચૂંટણી પંચને નિર્ણય લેતા અમે નહીં રોકીએ. ન્યાયાધીશોની બેન્ચ પર અન્ય સભ્યો છેઃ ન્યાયમૂર્તિઓ એમ.આર. શાહ, ક્રિષ્ના મુરારી, હિમા કોહલી અને પી.એસ. નરસિંહા.
આમ, આ કેસમાં નિર્ણય લેવાની સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પરવાનગી આપી છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ઉદ્ધવ ઠાકરે તથા એકનાથ શિંદે જૂથ, બંનેએ આવકાર્યો છે.