મુંબઈઃ દેશના નંબર-1 ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અત્રેના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી લાવારીસ કાર મળી આવ્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે આ કેસમાં ત્રાસવાદી સંગઠન જૈશ-ઉલ-હિંદને કોઈ લેવાદેવા નથી. એવી જ રીતે, ઓછા જાણીતા ત્રાસવાદી સંગઠને એક બેનર બહાર પાડ્યું છે અને એમાં લખ્યું છે કે અમારી લડાઈ ભાજપ અને આરએસએસના ફાસીવાદ સામે છે. અમારી લડાઈ હિંદના નિર્દોષ મુસ્લિમો સામે નરિન્દર મોદીના દુષ્કૃત્યો સામે છે. અમારી લડાઈ સેક્યૂલર લોકશાહી સામે છે, અંબાણી સામે નહીં. (અંબાણીના બંગલાની બહારથી મળી આવેલી વિસ્ફોટકોવાળી કારના કેસમાં મુંબઈ પોલીસ ઉપરાંત નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) સાથે મળીને તપાસ કરે છે).
મુંબઈ પોલીસે જ ત્રાસવાદી સંગઠન જૈશ-ઉલ-હિંદે રિલીઝ કરેલો સંદેશ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે, જેમાં પેલા સંગઠને એવો દાવો કર્યો છે કે તેણે મુકેશ અંબાણીને ક્યારેય ધમકી આપી નથી. મિડિયામાં જે પત્ર ફરી રહ્યો છે એ નકલી છે. (ઉલ્લેખનીય છે કે ગયા રવિવારે, જૈશ-ઉલ-હિંદે કથિતપણે લખેલા પત્રમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી માટે ઈસ્યૂ કરાયેલી ધમકીની જવાબદારી લીધી હતી અને કહ્યું હતું કે અંબાણીના ઘરની બહારથી મળી આવેલી લાવારીસ કાર તેણે જ મૂકાવી હતી. એ કારમાંથી વિસ્ફોટક જિલેટિન સ્ટીક્સ, અંબાણીની માલિકીની મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ ટીમના લોગોવાળી એક બેગ અને મુકેશ અંબાણી તથા એમના પત્ની નીતા અંબાણીને ધમકી આપતો પત્ર આવ્યો હતો. નવા રિલીઝ કરાયેલા બેનરમાં ત્રાસવાદી સંગઠને કહ્યું છે કે તે કાફર (નાસ્તિક) લોકો પાસેથી ક્યારેય પૈસા લેતું નથી અને એની લડાઈ મુકેશ અંબાણી સામે નથી. જૈશ ઉલ હિંદ તરફથી અંબાણીને કોઈ ધમકી નથી. (મુંબઈ પોલીસના અધિકારીઓ ત્રાસવાદી સંગઠને ટેલિગ્રામ એપ પર મૂકેલા બેનરના મૂળને શોધી કાઢવાના પ્રયત્નમાં છે)